સુર્યા હાઈબ્રીડ પ્રા.લી.ના ઓડીટમાં કરોડોના કૌભાંડ છુપાવી રીપોર્ટ આપતા જી.એસ.ટી.એ નોટીસ પાઠવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કપીલ નરેન્દ્રભાઈ દાસાણીએ દાખલ કરેલી આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.
વધુ વિગત મુજબ 20 વર્ષથી સીએ તરીકે પ્રેક્ટિસ કરતા કપીલ નરેન્દ્રભાઈ દાસાણીએ સુર્યા હાઈબ્રીડ પ્રા.લી. કંપનીનું એકાઉન્ટ ઓડીટ કરી રીપોર્ટ આપવાના બદલે કંપની વતી ખોટા બીલો બનાવી બાવન લોકોને 5.73 કરોડની ઈમ્પુટ ટેક્ષ ક્રેડીટ પાસ કરી હતી. આ બીલો બનાવવાના કમિશન પેટે કપીલ દાસાણીને 70 લાખ મેળવેલા હતાં. જી.એસ.ટી. વિભાગે આ અંગે કપીલ દાસાણીને નોટીસ પાઠવી હતી. બાદ કપીલ દાસાણીએ અદાલતમાં આગોતરા જામીન અરજી કરી હતી.
જે અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બચાવ પક્ષની દલીલમાં જી.એસ.ટી. કાયદાની કલમ મુજબ આ ગુન્હો સમાધાન પાત્ર છે. ઈમ્પુટ ટેક્ષ ક્રેડીટ બીલની રકમ જમા કરાવ્યેથી ફોજદારી કેસ થતો નથી. આથી આગોતરા જામીન ઉપર મુક્ત કરવાની રજૂઆત કરી હતી. જ્યારે સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજુઆતમા જણાવેલ હતુ કે જી.એસ.ટી. કાયદામા સમાધાનકારી વલણ ફકત “ટેક્ષેબલ મેન” એટલે કે ટેક્ષ ભરવા પાત્ર વ્યક્તિને જ લાગુ પડે છે. આ કેસમાં સુર્યા હાઈબ્રીડ પ્રા.લી. ટેક્ષેબલ મેન છે. સુર્યા હાઈબ્રીડ પ્રા.લી. એ જો ફકત કલમ-132 હેઠળ ગુન્હો આચરેલ હોય તો જી.એસ.ટી. કાયદો અને તે હેઠળનો લાભ મળી શકે છે.
કપીલ દાસાણીએ મોબાઈલ અને લેપટોપમાંથી ડેટા ડીલીટ કર્યો છે. જે બીલો આપેલ છે તે કોઈ વેપારી કે ઉત્પાદક તરીકે નથી ખોટા બીલો બનાવી 5.73 કરોડની આઈ.ટી.સી. ના બેનીફીટ અપાવી સીએએ 70 લાખનુ કમિશન મેળવેલુ છે. કપીલ દાસાણી વિરૂૂધ્ધ પુરાવાનો નાશ કરી અને બનાવટી દસ્તાવેજો ઉભા કરવાનો ગુનો બને છે. આ ગુના અંગેની મહત્તમ સજા આજીવન કેદ સુધીની છે. આ તમામ સંજોગો ધ્યાનમાં લેતા આરોપીને આગોતરા જામીન મળવા પાત્ર નથી. આ દલીલો લઈ અધિક સેશન્સ જજ આઈ.બી. પઠાણ સીએ કપીલ દાસાણીના આગોતરા જામીન રદ કર્યા છે. આ કેસમાં જી.એસ.ટી. ડીપાર્ટમેન્ટ વતી જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા રોકાયેલા હતા.
