અમરેલીમાં દુકાનદાર સાથે એક્ટિવા અથડાવ્યું, માથાકૂટ કરી છરીના ઘા ઝીંક્યા

બનાવના સીસીટીવી ફૂટેજ સો.મીડિયામાં વાયરલ: આવારા તત્ત્વો બેખૌફ, હથિયાર લઇને ફરે છે, લોકોમાં રોષ અમરેલી શહેરના ભરચક ગણાતા બીનાકા ચોક પાસે આવેલી ડિલક્સ પાનની દુકાનના…

બનાવના સીસીટીવી ફૂટેજ સો.મીડિયામાં વાયરલ: આવારા તત્ત્વો બેખૌફ, હથિયાર લઇને ફરે છે, લોકોમાં રોષ

અમરેલી શહેરના ભરચક ગણાતા બીનાકા ચોક પાસે આવેલી ડિલક્સ પાનની દુકાનના માલિક પર ત્રણ શખસે જાહેરમાં છરી વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. એક્ટિવા અથડાવા બાબતે યુવકે ટોક્યા હતા. સામાન્ય બોલાચાલીમાં થયેલી આ મારામારીની લાઈવ ઘટના દુકાનના ઈઈઝટ કેમેરામાં કેદ થઈ હતી, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમદાવાદના ધંધૂકામાં બાઈક ઓવરટેક કરવા મુદ્દે યુવકની છરી મારી હત્યા કરાઈ હતી.

ગઇકાલે રાત્રે આશરે 8:15 વાગ્યે વેપારી સિરાજ કુરેશી પોતાની દુકાન પાસે ઉભા હતા, ત્યારે ત્રણ શખસે પૂર્વ આયોજિત કાવતરું ઘડી તેમના પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તના સિરાજ કુરેશીએ આક્ષેપ કર્યો હતો કે, હુમલાખોરો દારૂૂ પીધેલી હાલતમાં હતા અને ટુ-વ્હીલરની ડેકીમાં છરી જેવા ઘાતક હથિયારો છુપાવીને આવ્યા હતા. સૈયદ દાદુ મિયાં, ઇરફાન મિયાં અને અજ્જુ મિયાં નામના ત્રણ ભાઈઓએ તેમને ઘેરી લીધા હતા. હુમલાખોરોએ તેમને આડેધડ ઢીકાપાટુનો માર માર્યા બાદ છરીના 3 ઘા ઝીંકી દઈ જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. હુમલા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ આ શખ્સો અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. અત્યારે ચૂંટણીનો માહોલ હોવા છતાં, આવા તત્વો બેખોફ બની હથિયારો લઈને ફરે છે.

ફરિયાદ મુજબ, સિરાજ મહેબૂબ કુરેશી જ્યારે પોતાની ડિલક્સ પાનની દુકાન પર હાજર હતા, ત્યારે ત્રણ શખસ એક્ટિવા લઈને ત્યાં આવ્યા હતા. આ શખસે બેદરકારીપૂર્વક વાહન ચલાવી પાનની દુકાન સાથે અથડાવ્યું હતું. સિરાજ કુરેશીએ તેમને વાહન સરખી રીતે ચલાવવાની સલાહ આપતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા.
ઉશ્કેરાયેલા શખસે એક્ટિવામાંથી છરી કાઢી તેના પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પીઠના ભાગે છરીના 3 ઘા ઝીંકી દીધા હતા અને ઢીકાપાટુનો મૂંઢ માર માર્યો હતો. આ સાથે જ આરોપીઓએ જાહેરમાં ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

ભોગ બનનાર યુવકે આ મામલે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓ જેમાં દાદલીમિયા રફીકમિયા સૈયદ, ઇરફાન રફીક સૈયદ, અજુમિયા રફીક સૈયદની અટકાયત કરી હતી.

અમરેલી પોલીસે ત્રણેય આરોપીઓને રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે અને આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે. જાહેરમાં થયેલા આ આતંકને પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *