રાજકીય ઇશારે વર્દીનો દમ બતાવનારાને પટ્ટાબાજી ભારે પડશે, નિર્લિપ્ત રાયના રિપોર્ટ તરફ સૌની મીટ
ગુજરાતમાં બહુ ચર્ચિત અમરેલી લેટરકાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઇજી નિર્લિપ્ત રાયને સોંપાઈ છે. નિર્લિપ્ત રાયે પીડિત યુવતી પાયલ ગોટી, ફરિયાદી કિશોર કાનપરિયાના નિવેદન લીધા હતાં અને પોલીસે કરેલા રિક્ધસ્ટ્રક્શન સ્થળની પણ વિઝિટ કરી હતી. આ નિવેદનો નોંધ્યા બાદ તપાસ પૂર્ણ કરીને નિર્લિપ્ત રાય અમરેલીથી રવાના પણ થઈ ગયા છે.નિર્લિપ્ત રાય તપાસ અહેવાલ તૈયાર કરીને સરકાર અને ડીજીપી વિકાસ સહાયને સોંપશે. ત્યારે હવે નિર્લિપ્ત રાયે તપાસમાં કયા ક્યા પુરાવા મેળવ્યા તેની વિગતો સામે આવી છે.
મળતી માહિતી મુજબ નિર્લિપ્ત રાયે સર્કિટ હાઉસ ખાતે પાયલ ગોટી અને તેના માતા પિતાને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને નિર્લિપ્ત રાય તેમની ટીમના સભ્યો કેટલાક મહિલા સભ્યો સહિત 8 થી 10 સભ્યો એક રુમમાં બેઠા હતા તેઓને જોઈને પાયલ મુંઝાઈ ગઈ હતી અને તેને નિર્લિપ્ત રાય સમક્ષ આમાં અમરેલી પોલીસના માણસો હોય તો ભવિષ્યમાં મુશ્કેલી પડે તેવી શંકા પણ વ્યક્ત કરી હતી. ત્યારે નિર્લિપ્ત રાયે પાયલ ગોટીને આશ્વાસન આપતા કહ્યુ હતુ કે, તમારા માતા પિતા સામે હોય તેમ માનીને વાત કરો આ રુમમાં બેઠેલા તમામ સભ્યો મારી ટીમના જ છે તેમાં અમરેલી પોલીસના એક પણ અધિકારી કે કર્મચારી નથી જેથી તમે બેધડક વાત કરી શકો છો તેમ જણાવ્યું હતું.
નિર્લિપ્ત રાયના આ આશ્વાસન બાદ પાયલ ગોટીએ સમગ્ર હકીકત જણાવતા કહ્યુ હતુ કે, અમરેલી પોલીસે મને રાત્રે બારેક વાગે જ ઉઠાવી હતી સાંજના 4 વાગે નહીં અને પોલીસ મને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી.મારી નજર સામે મનિષ વઘાસીયાને માર માર્યો હતો. આમ પાયલ ગોટીએ જે નિવેદન આપ્યું તેને ટાઈપ કરીને તેની કોપી પાયલ ગોટીને બતાવવામાં આવી હતી અને તેને વાંચીને જ તેના પર સહી કરવા જણાવ્યુ હતુ જે બાદ પાયલ ગોટીએ આ કોપીને વાંચીને તેના પર સહી કરી હતી. પાયલ ગોટીની અટકમાં લેવા ગયેલી અમરેલી પોલીસની ટીમે જે જે વાહનોનો ઉપયોગ કર્યો હતો તેની લોગ બુકમાં વાહનોની આવ- જાનો સમય અને સ્થળ વગેરેની નોંધ થતી હોય છે ત્યારે નિર્લિપ્ત રાયે આવી તમામ એકે એક વિગતો એકઠી કરી છે.
નિર્લિપ્ત રાયે જે પ્રકારે તપાસ કરી છે તે મુજબનો રિપોર્ટ સરકારને સોપ્યા બાદ સરકાર અને ડીજીપીએ અમરેલી પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને નાના કર્મચારીઓ સામે આકરા પગલા લેવાય તેવી પુરી શકયતા છે.
