રાજકોટ જિલ્લા અને જૂનાગઢ પોલીસ જેને શોધતી હતી તે ઇનામી આરોપી યુપીથી પકડાયો
રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હોય અને આવા આરોપીને પકડવા ઇનામ જાહેર કરવામાં આવ્યા છે.ત્યારે આ ડ્રાઇવ અંતર્ગત ગ્રામ્ય એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડને એક મોટી સફળતા મળી છે, જેમાં છેલ્લા 13 વર્ષથી હત્યા અને આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ એવા એક ઇનામી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.રાજકોટ રેંન્જ આઈજી નિર્લિપ્ત રાય અને રાજકોટ જીલ્લા પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સૂચના અન્વયે એલ.સી.બી. પી.આઈ. વી.વી. ઓડેદરાની ટીમ કાર્યરત હતી. તપાસ દરમિયાન, પેરોલ ફર્લો સ્કોડના પી.એસ.આઈ. પી.એન. ભરવાડ અને પોલીસ કોન્સ્ટેબલ મહેંન્દ્રસિંહ સોલંકીને બાતમીદાર અને ટેકનિકલ સોર્સ દ્વારા ચોક્કસ માહિતી મળી હતી કે વિરપુર પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી રોહનકુમાર બચ્ચાપ્રસાદ રાવત છેલ્લા 13 વર્ષથી ફરાર હોય તે મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરનો વતની છે.
રોહનકુમાર બચ્ચાપ્રસાદ રાવતને યુપીથી ઝડપી લીધો હતો. પકડાયેલ રોહનકુમાર બચ્ચાપ્રસાદ રાવત વર્ષ 2010 માં જુનાગઢ સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યા ના ગુનામાં સંડોવાયેલ હતો. તેની સામે વિરપુર પોલીસ સ્ટેશનમાં હત્યા અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાયેલ છે. આ ઉપરાંત, જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020 ના આર્મ્સ એક્ટના બે અલગ-અલગ ગુનાઓમાં પણ તે વોન્ટેડ હતો. રોહનકુમાર બચ્ચાપ્રસાદ રાવતને પકડવા માટે પોલીસ દ્વારા રૂૂ. 8,000 નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. હાલમાં આરોપીને પકડી પાડી વિરપુર પોલીસ સ્ટેશન ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે સોંપવામાં આવ્યો છે.આ સફળ કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ. વી.વી. ઓડેદરા, પી.એસ.આઈ. પી.એન. ભરવાડ સહિત પી.એસ.આઈ. કે.એમ. ચાવડા, એચ.સી. ગોહિલ, આર.વી. ભીમાણી સાથે સ્ટાફના બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, અમીતસિંહ જાડેજા, હિતેષભાઇ હમીરપરા, મહેન્દ્રસિંહ સોલંકી, ભાવેશભાઇ મકવાણા, કિશોરભાઇ કુગશીયાએ કામગીરી કરી હતી.
