ગઢડાના ઈશ્ર્વરિયા ગામે પ્રેમ સંબંધમાં ખેડૂતની હત્યામાં આરોપીને આજીવન કેદ

બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ખેડૂત નિતુભા ગોહિલની હત્યા કેસમાં આરોપી કિરણ ઉર્ફે કિરો પઢીયારને આજીવન કેદની સજા ફટકારી છે. આ હત્યા પ્રેમ સંબંધ અને…

બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ખેડૂત નિતુભા ગોહિલની હત્યા કેસમાં આરોપી કિરણ ઉર્ફે કિરો પઢીયારને આજીવન કેદની સજા ફટકારી છે. આ હત્યા પ્રેમ સંબંધ અને સગાઈના વિવાદને કારણે થઈ હોવાનું કોર્ટમાં સાબિત થયું હતું.

ગઢડા તાલુકાના ઈશ્વરીયા ગામના ખેડૂત નિતુભા કરણુભા ગોહિલે તેમની ખેતીની જમીન આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા ગામના કિરણ ઉર્ફે કિરો ભાઈલાલભાઈ પઢીયારને મજૂરીએ વાવવા આપી હતી. કિરણનો પ્રેમ સંબંધ બાજુના ખેતરના ભાગિયાની દીકરી સાથે હતો અને તે તેની સાથે સગાઈ કરવા ઈચ્છતો હતો.દીકરીના પિતાએ આ પ્રેમ સંબંધ અંગે નિતુભા ગોહિલને ફરિયાદ કરી હતી. નિતુભાએ કિરણને ઠપકો આપતા તે નારાજ થયો હતો અને આ જ બાબત હત્યાનું કારણ બની હતી.ગત 16 ડિસેમ્બર 2023ના રોજ નિતુભા ગોહિલ તેમની વાડીમાં એકલા હતા. હુમલા બાદ આરોપી કોશ કૂવામાં નાખી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નિતુભા ગોહિલનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

આ ઘટના બાદ મૃતકના ભાઈ ધેલુભા કરણુભા ગોહિલે ગઢડા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 302 (હત્યા), 201 (પુરાવાનો નાશ) અને જી.પી. એક્ટ 135 હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ગઢડા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.જી. જાડેજાએ તપાસ હાથ ધરી આરોપી કિરણની ધરપકડ કરી હતી. પૂરતા પુરાવા મળતા બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.કેસની સુનાવણી દરમિયાન 36 દસ્તાવેજી પુરાવા અને 12 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને, ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ મનીષસહાય જે. પરાશરે આરોપી કિરણ ઉર્ફે કિરો ભાઈલાલભાઈ પઢીયારને ઈંઙઈ કલમ 302 અને 201 હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદ અને દંડની સજા ફટકારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *