જામનગર જિલ્લાના ધ્રોલમાં નોંધાયેલા ચકચારી અપહરણ અને સગીરા પર દુષ્કર્મના કેસમાં નામદાર કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ભોગ બનનાર સગીરાના પિતાએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની 16 વર્ષ 2 મહિનાની સગીર પુત્રીનું આરોપી બાબુ વાલાભાઈ જખાણીયાએ કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી અલગ-અલગ સ્થળોએ લઈ જઈ તેની સાથે વારંવાર બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.
જે ફરિયાદના આધારે ધ્રોલ પોલીસે ગુનો નોંધી આરોપીની સુરત ખાતેથી ધરપકડ કરી હતી. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 87, 64(2)(એમ) તેમજ પોક્સો અધિનિયમની કલમ 4 અને 6 હેઠળ ગુનો નોંધાયો હતો. તપાસ અધિકારી એચ.વી. રાઠોડે તટસ્થ તપાસ પૂર્ણ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
કેસ દરમિયાન આરોપીએ જામીન મેળવવા માટે પ્રથમ જામનગર કોર્ટ અને બાદમાં ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, ભોગ બનનાર પક્ષ તરફથી વકીલ મોહસીન કે. ગોરીએ જામીનનો વિરોધ કરતાં નીચલી અદાલતે જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ હાઈકોર્ટમાં પણ આરોપીને પોતાની જામીન અરજી પરત ખેંચવાની ફરજ પડી હતી. પરિણામે સમગ્ર ટ્રાયલ દરમિયાન આરોપી ન્યાયિક કસ્ટડીમાં જ રહ્યો હતો.
ટ્રાયલ દરમિયાન ભોગ બનનાર પક્ષે ધારાશાસ્ત્રી વકીલ મોહસીન કે. ગોરીને કેસની જવાબદારી સોંપી હતી. બંને પક્ષોની દલીલો અને પુરાવાઓના આધારે કોર્ટે આરોપી બાબુ વાલાભાઈ જખાણીયાને ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 87, 64(2)(એમ) તથા પોક્સો અધિનિયમની કલમ 4 અને 6 હેઠળ દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ કેસમાં ભોગ બનનાર પક્ષ તરફેથી વકીલ મોહસીન કે. ગોરી સાથે સરકારી વકીલ ભારતીબેન વાદી, સિદ્ધાર્થ એસ. સાપરીયા, જયદીપ કે. મોલિયા તથા ટ્રેઇની દર્શન એ. ગોસ્વામી હાજર રહ્યા હતા.
