યાત્રાધામ જુનાગઢમાં આવેલા પવિત્ર ગિરનાર પર્વત પર છેલ્લા છ દિવસથી રોપવેની સેવાઓ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી છે. ગિરનાર પર્વત પર સતત ફૂંકાઈ રહેલા ભારે અને પ્રચંડ પવનને કારણે વહીવટી તંત્ર અને રોપવે સંચાલકો દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પર્વત પર પવનની ગતિ મર્યાદા કરતાં વધુ હોવાને લીધે રોપવે ચલાવવો જોખમી સાબિત થઈ શકે તેમ છે.
ગિરનાર પર્વત પર અંબાજી મંદિરે,ભગવાન દત્તાત્રેય અને જૈન દેરાસરો ના દર્શને આવતા હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને જ આ પગલું ભરવામાં આવ્યું છે. રોપ-વે મેનેજમેન્ટના જણાવ્યા મુજબ મુસાફરોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરી શકાય નહીં. આથી, જ્યાં સુધી પવનની ગતિ નિયંત્રણમાં નહીં આવે અને હવામાન વિભાગ તરફથી લીલી ઝંડી નહીં મળે ત્યાં સુધી રોપવે બંધ રાખવામાં આવશે.
હાલમાં ગિરનાર પર્વતની ટોચ પર વાતાવરણ તણાવપૂર્ણ અને પવનની ગતિ તેજ છે. રોપવે બંધ હોવાને કારણે અહીં આવતા વૃદ્ધો અને અશક્ત શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે વાતાવરણ સાનુકૂળ થતાં અને સ્થિતિ એકદમ સામાન્ય બન્યા બાદ જ રોપ-વેને ફરીથી કાર્યરત કરવામાં આવશે. પ્રવાસીઓને પણ પ્રવાસનું આયોજન કરતાં પહેલાં હવામાનની સ્થિતિ જાણી લેવા વિનંતી કરાઈ છે.
