150 ફૂટ ઉંડા કુવામાં ખાબકેલી યુવતિના મૃતદેહને મહામહેનતે બહાર કઢાઈ
સુત્રાપાડા તાલુકાના આલિદ્રા ગામમાં એક કરુણ બનાવ સામે આવેેલ જેમાં વાડી વિસ્તારમાં પાણી ભરતી વખતે 30 વર્ષીય યુવતીનું કૂવામાં પડી જવાથી મૃત્યુ નિપજ્યું છે. ચાવડા જીવરાજભાઈની દીકરી હંસાબેન કૂવામાંથી પાણી સીંચી રહી હતી ત્યારે દોરી તૂટી જવાથી અને પગ લપસી જવાને કારણે 150 ફૂટ ઊંડા કૂવામાં પડી ગઈ હતી.
પ્રથમ પરિવારજનો અને ગ્રામજનોએ યુવતીને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કૂવો ખૂબ જ ઊંડો હોવાથી તેઓ સફળ થયા ન હતા ત્યારબાદ વેરાવળ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર સ્ટેશન ઓફિસર રવિરાજ ચાવડાના નેતૃત્વમાં ટીમે બનાવ સ્થળે પહોંચી કાર્યવાહી શરૂૂ કરી હતી. ફાયર ટીમે અત્યાધુનિક સાધનો અને અન્ડરવોટર ડ્રોનની મદદથી કૂવામાં શોધખોળ શરૂૂ કરી. લગભગ ત્રણેેક કલાકની જહેમત બાદ યુવતીના મૃતદેહને કૂવાના તળિયેથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. સુત્રાપાડા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે. યુવાન દીકરીના અકાળે અવસાનથી પરિવાર અને સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
