શહેરના જુના માર્કેટ યાર્ડ પાછળ આવેલા લાપાસરી ગામમાં રહેતાં 19 વર્ષના ટ્વીંકલબા દોલતસિંહ ગોહિલએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઈ ગયો છે.
વધુ વિગતો મુજબ, લાપાસરીમાં રહેતાં ટ્વીંકલબા ગોહિલે ગઇકાલે સાંજે ઘરના ઉપરના રૃમમાં જઇ ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં 108ને જાણ કરાઇ હતી. તેના ઇએમટી ડો. નેહાબેન ઠાકોરે તેણીને નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. જાણ થતાં આજીડેમ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. એચ. એમ. ધરજીયાએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનારા ટ્વીંકલબા એક ભાઇથી મોટા હતાં. તેણીના પિતા દોલતસિંહ ગોહિલ ગામમાં કપડાની દુકાન ચલાવે છે. આ દિકરી પણ દૂકાનમાં પિતા સાથે બેસી વેપારમાં મદદરૃપ થતાં હતાં. સાંજે પરિવારજનો જમવા બેઠા હતાં ત્યારે ટ્વીંકલબાએ ઉપરના રૃમમાં જઇ પગલુ ભરી લીધુ હતું. પરિવારજનો જમવા માટે બોલાવતા હોઇ નીચે ન આવતાં તપાસ કરતાં ઘટનાની જાણ થઇ હતી. કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.
