હુડકો ચોકડી પાછળ નાડોદાનગરમાં રહેતા અને મજુરી કરતા યુવકને સોમનાથ રેલ્વે સ્ટેશન પાસે રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહન ચાલકે ઠોકેર લેતા ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જયાં તેમણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઈ ગયો છે.
વિગત એવી છે કે, હુડકો ચોકડી પાછળ નાડોદા નગરમાં રહેતા અને માર્બલ ટાઇલ્સની મજુરી કામ કરતાં રાકેશસિંગ મનોહરસિંગ ચૌહાણ (ઉ.વ.43) છેલ્લા અઢી માસથી મજુરી કામે સોમનાથ ગયા હતા. જયાં તા. 3 ના રોજ કામ પૂર્ણ કરી સોમનાથ રેલવે સ્ટેશનેથી રસ્તો ઓળંગતા જતી વખતે ટુ વ્હીલરનાં ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા થઇ હતી. જેને લીધે તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જયાં તેમણે દમ તોડી દીધો હતો. મૃતક રાકેશસિંગ પોતે પરિણીત હોવાનું તથા સંતાનમાં એક દિકરી અને દિકરા હોવાનું માલુમ પડયું છે. તથા તેઓ ત્રણભાઇ અને એક બહેનમાં બીજા નંબરે હતો. તેઓ મુળ ઉત્તરપ્રદેશના હોવાનું સામે આવ્યું છે. બનાવને લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
