ગાયત્રીનગરના યુવાનનું અપહરણ કરી વાવડી પાસે લઇ જઇ યુવાન પર હુમલો

શહેરમાં જૂની અદાવતનો બદલો લેવા માટે એક યુવકનું અપહરણ કરી તેને માર મારવાની સનસનીખેજ ઘટના સામે આવી છે.શહેરના ગાયત્રીનગર મેઈન રોડ પર રહેતા અને ઇકો…

શહેરમાં જૂની અદાવતનો બદલો લેવા માટે એક યુવકનું અપહરણ કરી તેને માર મારવાની સનસનીખેજ ઘટના સામે આવી છે.શહેરના ગાયત્રીનગર મેઈન રોડ પર રહેતા અને ઇકો કાર ચલાવી ગુજરાન ચલાવતા 37 વર્ષીય રવિભાઈ બળવંતભાઈ ગૌસ્વામીએ આ મામલે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના 10 એપ્રિલ 2026ના રોજ રાત્રિના સમયે બની હતી,જેની સત્તાવાર જાણ પોલીસને 11 એપ્રિલના રોજ વહેલી સવારે કરવામાં આવી હતી.પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ ફરિયાદીને રિક્ષામાં બેસાડી વાવડી ગામ પાસેના અવાવરૂ વિસ્તારમાં લઈ જઈ હુમલો કર્યો હતો.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 10 એપ્રિલની રાત્રે આશરે 11:30 વાગ્યે રવિભાઈ ગૌસ્વામી તેમના ઘર પાસે આવેલી શ્રીજી પાનની દુકાનના ઓટલા પર બેઠા હતા. તે દરમિયાન લીલા કલરની સીએનજી રિક્ષામાં સત્યો, સંજય ઉર્ફે માઈકલ વાઘેલા, જીગર દાફડા અને અબુ માજોઠી નામના શખ્સો ત્યાં આવ્યા હતા. સત્યો અને સંજયે રવિભાઈને પરાણે રિક્ષામાં બેસાડી દીધા હતા, જ્યારે જીગર રિક્ષા ચલાવતો હતો. આરોપીઓ તેમને ઢેબર રોડથી ગોંડલ ચોકડી થઈને વાવડી ગામના ગેટ પાસેના અવાવરૂ પટમાં લઈ ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ આરોપીઓએ પ્લાસ્ટિકની ગેસની નળીઓ, પટ્ટા અને છરીની મુઠ વડે રવિભાઈને ઢોર માર માર્યો હતો. હુમલા દરમિયાન સત્યા નામના શખ્સે ફરિયાદીના હાથની આંગળીમાં બટકું પણ ભર્યું હતું, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.

આ હુમલા પાછળનું કારણ ગત 30 માર્ચ 2026ના રોજ બનેલી એક ઘટના છે. તે સમયે આરોપી સત્યાનો વિરલભાઈ રબારી સાથે ઝઘડો થયો હતો, જેમાં રવિભાઈએ વચ્ચે પડીને વિરલભાઈને બચાવ્યા હતા અને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.આ વાતની અદાવત રાખીને આરોપીઓએ આ ગુન્હાને અંજામ આપ્યો હતો.ઘટના બાદ આરોપીઓ રવિભાઈને રાજકમલ પેટ્રોલ પંપ પાસે ઉતારીને નાસી છૂટ્યા હતા, જ્યાંથી તેઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.ભક્તિનગર પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 140(3), 115(2), 352, 54 અને જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *