પોરબંદરના વતન કોટડા ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય; અનેક લોકોને ચક્ષુદાન-અંગદાન માટે પ્રેરિત કર્યા હતા
રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને મળતાવડા સ્વભાવ માટે જાણીતા એએસઆઈ રામશીભાઈ જગમાલભાઈ વરૂૂ (ઉં.56) નું ગઈકાલે રાત્રે હૃદયની બીમારીના કારણે સારવાર દરમિયાન નિધન થયું છે. આ સમાચાર મળતા જ પોલીસ પરિવાર અને તેમના સ્નેહીજનોમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. અગાઉ હૃદય રોગના હુમલા બાદ તેમની અમદાવાદ ખાતે બાયપાસ સર્જરી થઈ હતી. ગત 3 એપ્રિલના રોજ તબિયત લથડતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં ખસેડાયા હતા, જ્યાં 10 એપ્રિલની રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
રામશીભાઈ માત્ર એક પોલીસ અધિકારી જ નહીં, પરંતુ એક સજાગ અને સંવેદનશીલ નાગરિક પણ હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે ફરજ દરમિયાન તેઓ દર્દીઓ અને તેમના પરિવારો માટે હંમેશા મદદરૂપ થતા હતા. માર્ગ અકસ્માત જેવી ઘટનાઓમાં ત્વરિત મદદ માટે જાણીતા રામશીભાઈએ રેકોર્ડબ્રેક વખત 108 એમ્બ્યુલન્સને ફોન કરી લોકોના જીવ બચાવ્યા હતા, જે બદલ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
તેમની સામાજિક સેવાની જ્યોત એટલી પ્રબળ હતી કે હોસ્પિટલમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેઓ શોકાતુર પરિવારને સમજાવીને ચક્ષુદાન અને અંગદાન માટે પ્રેરિત કરતા હતા. તેમના આ ઉમદા કાર્યને લીધે અનેક લોકોના જીવનમાં ઉજાસ પથરાયો છે. પોલીસની કડક છબીની સામે તેમણે માનવતાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
મૃતક રામશીભાઈ પોતાના બે બહેનોના એકના એક ભાઈ હતા અને સંતાનમાં તેમને બે દીકરા છે. તેમની અંતિમ વિધિ તેમના મૂળ વતન પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કોટડા ગામે કરવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપી અંતિમ વિદાય આપવામાં આવી હતી. એક નિષ્ઠાવાન અધિકારી અને સેવાભાવી વ્યક્તિત્વ ગુમાવતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.
