માળીયા મિયાણાના નવા નવલખી ગામે રહેતો યુવાન પોતાની ઈકો કાર લઈ ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે પીપળીયા ચાર રસ્તા પાસે ઈકો કારને ટ્રક ચાલકે હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા ઈકો કારના ચાલકનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, માળીયા મીયાણાના નવા નવલખી ગામે રફીક દાઉદભાઈ જંગીયા નામનો 30 વર્ષનો યુવાન સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાની ઈકો કાર લઈ પીપળીયાથી પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે પીપળીયા ચાર રસ્તા પાસે ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રફીક જંગીયાને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં માતમ છવાયો હતો. મૃતક યુવાન બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી છે.
બીજા બનાવમાં વિસાવદરના મોટા કોટડા ગામે રહેતાં છગનભાઈ જાદવભાઈ કીકાણી (ઉ.48) પાંચ દિવસ પૂર્વે પોતાના ગામમાં બાઈક ચલાવીને જતાં હતાં ત્યારે આધેડે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ થયું હતું. જે બાઈક અકસ્માતમાં ઘવાયેલા આધેડે રાજકોટ સારવારમાં દમ તોડતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક આધેડ બે ભાઈ ત્રણ બહેનમાં નાના હતાં અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
