મહિલાએ બૂમાબૂમ કરી મૂકતા લવ ગાર્ડનની ગ્રીલ કૂદી ભાગ્યો, ચોંકાવનારી ઘટના
બીજા દિવસે દંપતી વોકિંગમાં નીકળ્યું તો વિકૃત શખ્સ રાહ જોતો હતો, અંતે લમધારી પોલીસને સોંપ્યો
રાજકોટ શહેરના મધ્યમાં આવેલા રેસકોર્સ લવ ગાર્ડનમાં લુખ્ખા તત્વો અને નશો કરતા શખ્સો અવારનવાર માથાકૂટ કરતા હોવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે આવા અસામાજિક તત્વોને પકડી કાયદાનું ભાન કરાવવુ જરૂૂરી બન્યું છે.તેમજ હાલ શી ટિમની કામગીરી પણ બંધ થઈ જતા ગાર્ડનમાં યુવતી અને મહિલાઓની છેડતી અને પજવણીની ઘટનાઓ બનતી હોય છે અને આવી ઘટનામાં ભોગ બનનાર પરિવાર પોલીસ કે કોર્ટ કચેરીમાં ન પડવા જતું કરતો હોય છે.ત્યારે રેસકોર્સમાં વોકિંગ કરતી મહિલાની છેડતીનો કિસ્સો સામે આવ્યો છે અને આ મહિલાએ હિંમત દાખવી પોલીસમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વધુ વિગતો મુજબ,રેસકોર્સને લવ ગાર્ડનની અંદર પતિ સાથે વોકિંગ કરતી પરિણિતાને પાછળથી ધસી આવેલા વિજય નાનજીભાઈ કુવરિયા (રહે. રૈયાધાર) નામના શખ્સે મોઢા ઉપર હાથ દબાવી અડપલા કરી જમીન પર પછાડી દીધાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
જામનગર રોડ પર રહેતી 33 વર્ષિય પરિણિતાએ પોલીસને જણાવ્યું કે ગઈ તા. 24ના રાત્રે તે પતિ સાથે રેસકોર્સની અંદર લવગાર્ડનમાં વોકિંગ કરવા ગઈ હતી. વોકિંગ સમયે તેના પતિ આગળ ચાલવા લાગ્યા હતા. ત્યારે તે પતિથી પાછળ રહી ગઈ હતી. આ સમયે પાછળથી ધસી આવેલા અજાણ્યા શખ્સે તેને ગળેથી પકડી મોઢા પર હાથ દબાવી દીધો હતો. એટલું જ નહીં શરીરે અડપલા શરૂૂ કર્યા હતા. બાદમાં તેને નીચે પછાડી દઈ ઢસડવાનું શરૂૂ કર્યું હતું.બાદમાં તેણે બુમાબુમ કરતા તે શખ્સ ત્યાંથી ગાર્ડનની ગ્રીલ ઠેકીને જતો રહ્યો હતો. તેણે પતિને બોલાવ્યા બાદ તે શખ્સની તપાસ કરી હતી. પરંતુ મેળ પડ્યો નહતો.
બીજા દિવસે ફરી તે પતિ સાથે તે શખ્સને શોધવા જતા છેડતી કરનાર શખ્સ ત્યાં જોવા મળતાં પોલીસને બોલાવાઈ હતી. આ સમયે પોલીસે તે શખ્સની પુછપરછ કરતા તેણે પોતાનું નામ વિજય કુવરિયા હોવાનું જણાવ્યું હતું. તેમજ પોતે રયાધાર બાજુ રહેતો હોવાનું અને ભજીયા બનાવતો હોવાનું જણાવ્યું હતું તેમજ તેમને બે સંતાન હોવાનું પણ પોલીસે જણાવ્યું છે.પ્ર. નગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે શહેરના હાર્દસમા રેસકોર્સમાં સરાજાહેર પરિણિતાની આબરુ લુંટવાના ઈરાદે થયેલી આ છેડતીની ઘટના બનતા ચકચાર જાગી છે.પ્ર. નગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
