અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ અને ધમકી આપ્યાનો ગંભીર ગુનો નોંધાયો છે. પોલીસ ફરિયાદ મુજબ, સગીરા ગામ નજીક બાવળની કાંટમાં કુદરતી હાજતે ગઈ હતી ત્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરે તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપી કિશોર અગાઉ પણ આવા પ્રકારના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવ્યો હોવાનું કહેવાય છે. ઉપરાંત, ઘટનાની જાણ કોઈને કરાશે તો જાનથી મારી નાખવાની ધમકી આપીને સગીરાને ડરાવવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે ભોગ બનનાર સગીરાના દાદાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 64(2)(શ)(ળ), 65(1), 351(3) તેમજ પોક્સો અધિનિયમની કલમ 4, 6 અને 8 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસના ભાગરૂપે તેને ડિટેઇન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને કેસના તમામ પાસાઓની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
