ગોંડલમાં માંડવીચોક નજીક ટાઉનહોલ સામે પેસેન્જર ભરવાની લ્હાયમાં ટ્રાફિકને અવરોધરૂૂપ થઇ આડેધડ પાર્કિંગ કરતા ઓટોરીક્ષા ચાલકોની મનમાની અંગે અખબારોમાં તસ્વીરો સાથે અહેવાલો પ્રસિદ્ધ થતા પોલીસ એક્શન મોડ પર આવી સતત ટ્રાફિકને અવરોધતી રીક્ષાઓ સામે લાલ આંખ કરી બે દિવસમાં અઢારથી વીસ જેટલા રીક્ષાચાલકોને દંડ ફટકારી ડીટેન કરવાની કાર્યવાહી હાથ ધરતા બેફામ બનીને ટ્રાફિકને અડચણરુપ બનેલા ઓટોરિક્ષા ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.બીજી બાજુ પોલીસની આક્રમક કાર્યવાહીથી રાહદારીઓ તથા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
રાત્રે જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરે ગુન્હાખોરી માટે ચર્ચામાં રહેતા સરકારી હોસ્પિટલ સામેનાં ખાડા વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરી કાયદો વ્યવસ્થાનો તાગ એળવ્યો હતો. એ’ ડીવીઝનનાં પીઆઇ જે.આર.ઝાલા, બી’ડીવીઝન પીઆઇ જી.એસ.ગઢવી સહિત પોલીસ કાફલાએ સાંજે ટાઉનહોલ, માંડવીચોક, કડીયાલાઈન, બસસ્ટેન્ડ રોડ સહિત સઘન પેટ્રોલિંગ કરી બજારો વચ્ચે વાહનો પાર્કિંગ કરતા બાહુબલીઓ તથા બેફામ બનેલા રીક્ષા ચાલકોને કાયદાનું ભાન કરાવ્યુ હતું. ટ્રાફિક અંગેની રજુઆત જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર પાસે પંહોચી હોય તેમણે પણ પોલીસ તંત્રને ટ્રાફિક અવરોધરૂૂપ તત્વો સામે કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી.
પોલીસે ટાઉનહોલ, માંડવીચોક સહિત બજાર વિસ્તારોમાં માર્ગને અવરોધરૂૂપ વાહનો કે રીક્ષા ચાલકોને શાનમાં સમજી જવા ચેતવણી ઉચ્ચારી છે.અને ટ્રાફિક અંગેનું અભિયાન ચાલુ રહેશે તેવું જણાવ્યુ હતું. પોલીસની ટ્રાફિક અંગેની આક્રમક કાર્યવાહીને કારણે રાજમાર્ગોપર આડેધડ પાર્કિંગ કરતા વાહનચાલકો શિસ્તબદ્ધ બન્યા હતાં અને સર ભગવતસિહનાં રાજમાર્ગો ફરી એકવાર પહોળા નજરે પડતાં હતાં.
