શિક્ષણાધિકારી દ્વારા તપાસના આદેશ, આક્ષેપો સાચા ઠરશે તો શિક્ષિકા સામે કાર્યવાહી થશે
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના બામણવાડા ગામે શિક્ષણજગતને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીંની પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીને શાળાના શિક્ષિકાએ માથામાં પાટીયું ફટકારી લોહીલુહાણ કરી નાખ્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. વાલીનો આક્ષેપ છે કે, શિક્ષિકા પૈસા આપી સમાધાનની વાત કરે છે. પણ અમારે પૈસા નહીં ન્યાય જોઈએ છે. આ સમગ્ર મામલો સામે આવતા જૂનાગઢ શિક્ષણાધિકારીએ તાલુકા શિક્ષણાધિકારીને તપાસ સોંપી પાંચ દિવસમાં રિપોર્ટ માગ્યો છે.
શિક્ષણાધિકારીએ કહ્યું હતું કે, જો શિક્ષિકાએ માર માર્યાનું સાબિત થશે તો કડક કાર્યવાહી કરાશે.
બામણવાડા ગામે પ્રાથમિક શાળામાં ધોરણ 8 માં ભણતો વિદ્યાર્થી શિક્ષિકા ધાનીબેન સોલંકી પાસે લેસન બતાવવા ગયો હતો, ત્યારે ભૂલથી તેની સાથે પાટિયું (પેડ) પણ લઈ ગયો હતો. આ બાબતે ઉશ્કેરાયેલી શિક્ષિકાએ તેને માથાના ભાગે પાટિયું ઝીંકી દીધું હતું. બાળકની માતા રડતા અવાજે જણાવ્યું હતું કે “મારો દીકરો તો માત્ર લેસન બતાવવા ગયો હતો, શિક્ષિકાએ તેને માથામાં પાટિયું મારી દીધું. તેઓ પૈસાવાળા છે એટલે અમને પૈસાની ઓફર આપીને મામલો દબાવવા માંગે છે, પણ અમારે ન્યાય જોઈએ છે.
વિદ્યાર્થીના દાદીએ આક્ષેપ કર્યો હતો કે તેમનો પૌત્ર ઘરે રડતો આવ્યો ત્યારે તેના શરીરે ઈજાના નિશાન અને લોહી જોઈ તેઓ હેબતાઈ ગયા હતા. જ્યારે તેઓ શાળાએ પૂછપરછ કરવા ગયા ત્યારે શિક્ષિકાએ માર માર્યાનો સ્વીકાર કર્યો હતો અને આ વાત કોઈને ન કહેવા માટે પૈસાની લાલચ આપી હતી. દાદીએ મક્કમતાથી કહ્યું કે, “આજે મારા દીકરા સાથે બન્યું છે, કાલે બીજા કોઈના બાળક સાથે ન બને તે માટે આ શિક્ષિકાને ફરજ પરથી દૂર કરવી જોઈએ. આક્ષેપિત શિક્ષિકા ધાનીબેન સોલંકીએ પોતાની સફાઈ આપતા જણાવ્યું હતું કે હાલ ત્રિમાસિક પરીક્ષા ચાલી રહી છે. વિદ્યાર્થીએ પેપરમાં કંઈ લખ્યું ન હોવાથી તેને ઠપકો આપવા માટે પીઠ પાછળ હાથ માર્યો હતો. તે સમયે હાથમાં પાટિયું હોવાથી અને બાળક દૂર ભાગવા જતા ભૂલથી માથામાં વાગી ગયું હતું. તેમનો કોઈ ખોટો ઈરાદો નહોતો.
આ મામલે જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે,ઘટનાની જાણ થતા જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને તપાસના આદેશ આપ્યા છે અને 5 દિવસમાં હકીકતલક્ષી અહેવાલ મંગાવ્યો છે.
