નબીરાએ કાર અડફેટે પાંચ વાહનોને ઉલાળતા બે ભાઈનાં મોત, 4ને ઈજા
મધરાત્રે આઉટર રિંગ રોડ ઉપર બેફામ ઝડપે આવતી કાર ડિવાઈડર ઠેકી સામે આવતા વાહનો પર ખાબકી
સુરતમાં ગત રાત્રે અમદાવાદના તથ્યકાંડ જેવી ગંભીર ઘટના ઘટી છે. જેમાં આઉટર રીંગ રોડ ઉપર બેફામ ઝડપે આવતા કાર ચાલકે ડીવાઈડર કુદાવી સામેની સાઈડમાં એક પછી એક પાંચ વાહનોને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં બે સગાભાઈના કરુણ મોત નિપજ્યા હતાં. જ્યારે મહિલા સહિત ચાર લોકોને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલ છે.
જીવલેણ અકસ્માત સર્જનાર કાર ચાલક નબીરો અને તેની સાથેના અન્ય બે શખ્સો નાશી છૂટ્યા હતાં. જ્યારે લોકોના ટોળાએ કારમાં પાછળ બેઠેલા એક શખ્સને ઝડપી લઈ પોલીસને સોંપ્યો હતો.
સુરતના આઉટર રીંગ રોડના વાલક બ્રિજ ઉપર 7 ફેબ્રુઆરીની મોડીરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતા કારચાલકે કાર ડિવાઈડર કુદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક વાહનોને ઉડાવી છ વ્યક્તિને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે પૈકી બે સગા ભાઈનું મોત થયું છે, જ્યારે એક મહિલા સહિત ચાર લોકોને ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે.
મળતી મુજબ, સુરતના આઉટર રિંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ ઉપર મોડીરાત્રે પૂરપાટ ઝડપે દોડતી કાર ( નં.જીજે-05-આરએફ-0317)ના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડ પહોંચી હતી. કારચાલકે સામેથી આવતા એક પછી એક કુલ પાંચ વાહનોને ઉડાવી છ વ્યક્તિને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તે પૈકી બે સગા ભાઈ કમલેશ બાલુભાઈ સાપોલિયા (ઉં.વ.42) અને અશ્વિનભાઈ બાલુભાઇ સાપોલિયા (ઉં.વ.48)નું સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી તેમની સારવાર ચાલી રહી છે.
અકસ્માતમાં કારનો આગળના ભાગનો ખુરદો વળી ગયો હતો. આ સાથે જ અડફેટે આવેલા વાહનોનો પણ કડુચલો બોલી ગયો હતો. બનાવની જાણ થતા લસકાણા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. બનાવને પગલે લોકો પણ એકત્ર થઈ ગયા હતા. અકસ્માત સમયે કારમાં ચાર જેટલા યુવાનો સવાર હતા. તે પૈકી પાછળ બેસેલા એક યુવાનને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો, જ્યારે ચાલક અને અન્ય યુવકો ફરાર થઈ ગયા હતા.
