રાજકોટમાં હનુમાનમઢી સ્કૂલ બસનો ચાલક બે વર્ષના માસૂમ માટે કાળ બનીને ત્રાટક્યો હતો અને બાળકને હડફેટે લઈ કચડી નાંખતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજતાં પરીવારમાં શોક છવાયો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે. જીવલેણ અકસ્માત સર્જી નાસી છુટેલી બસ શામજી હરજી તળાવિયા ચેરીટેબલ ટ્રસ્ટ (આર.કે. યુનિવર્સિટી)ની હોવાની શંકા સેવાઈ રહી છે.
વધુ વિગતો મુજબ,રૈયારોડ પર હનુમાનમઢી પાસે છોટુનગર શેરી નં.4 માં રહેતાં વિક્રમભાઈ સોમાભાઈ વાજેલીયાએ ફરીયાદમાં જણાવ્યું હતું કે,તે પરીવાર સાથે રહી મજૂરીકામ કરે છે.તેમને સંતાનમાં બે પુત્ર જેમાં મોટો બે વર્ષીય વિશાલ હતો. ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાની આસપાસ તેઓ તેના દિકરા બે વર્ષીય વિશાલ સાથે બાઇકમાં હનુમાનમઢી એરપોર્ટ રોડ ખાતે આવેલ કે.કે.પાન પર મસાલો ખાવા ગયેલ હતા.
દરમિયાન ફરિયાદી પાનની દુકાને ફાકી લેવા ગયેલ હતો અને તેમનો દીકરો વિશાલ બાઈક પાસે ઉભેલ હતો તે દરમિયાન એરપોર્ટ ફાટક બાજુથી પુરપાટ ઝડપે આવેલ પીળા કલરની સ્કૂલ બસ ઘસી આવેલ અને બાળકને હડફેટે લેતા તેમનો દીકરો બસના પાછળના વ્હીલમા આવી જતાં ચગદાઈ ગયેલ અને છાતીના ભાગે અને પડખામા ગંભીર ઈજા થઈ હતી.
બાદમાં તેઓ દીકરા વિશાલને ગંભીર હાલતમાં બાઇકમાં બેસાડી અત્રેની સીવીલ હોસ્પિટલમાં સારવાર ખાતે લાવતાં ઇમરજન્સી વિભાગના તબીબોએ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. બાદમાં તેઓને જાણવા મળેલ કે, તેમના દિકરાને હડફેટે લઈ મોતને ઘાટ ઉતારનાર બસના નં. જીજે-03-બીવાય-4052 હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી બસના ચાલકની શોધખોળ આદરી હતી. જીવલેણ અકસ્માત સર્જી નાસી છુટેલી બસ શામજી હરજી તળાવિયા ચેરીટેબલ ટ્રસ્ટ (આર.કે. યુનિવર્સિટી)ની હોવાની શંકા સેવાઈ રહી છે. આ મામલે હાલ પીએસઆઇ એસ.એલ.ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે.