વિદેશ જવા ઇચ્છુકોને યેનકેન પ્રકારે વિશ્વાસમાં લીધા બાદ નાણા ખંખેરવાનું વધુ એક કારસ્તાન પકડાતા જામનગરની મયુર સોસાયટીમાં રહેતા રાજેન્દ્ર મુળુભાઇ રાજગોર નામના શખ્સને દબોચી લેવાયો છે. આ ભેજાબાજ શખ્સે અત્યાર સુધીમાં જામખંભાળીયાના યુવાન, પોરબંદરના આદિત્યાણાની મહીલા સહીત અનેકને શિશામાં ઉતારી લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
જામનગરના સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી ગજેન્દ્રનાથ ખીમનાથ કંથરાય, ઉવ.35 વર્ષ, ધંધો ડ્રાઇવિંગ, રહે. અશોક શોરૂૂમ સામે, ગીરધરનગર, જામખંભાળીયા, જી. દેવભૂમિ દ્વારકા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે આરોપી રાજેન્દ્ર મૂળુભાઈ રાજગોર, રહે. મયુર સોસાયટી, એરપોર્ટ રોડ, જામનગરએ ફરિયાદી તથા સાહેદોને વિદેશ મોકલવાની લાલચ આપી તેમના અસલ પાસપોર્ટ તથા રોકડા રૂૂપિયા 1,24,500 મેળવી પરત ન આપી છેતરપીંડી તથા વિશ્વાસઘાત કર્યો હતો, જે ગુનો તા.22/04/2026ના રોજ જાહેર થયો હતો. તે જ રીતે જામનગર સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી ઇલાબેન ગલાભાઈ જાડેજા, ઉવ.40 વર્ષ, ધંધો પ્રા. નોકરી, રહે. કાદીવાસ મઢીની બાજુમાં, અદિત્યાણા, તા. રાણાવાવ, જી. પોરબંદર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે આરોપી (1) રાજેન્દ્ર મૂળુભાઈ રાજગોર, રહે. મયુર સોસાયટી, એરપોર્ટ રોડ, જામનગર, (2) નિઝામ યુસુફ સમા તથા (3) રીઝવાના હમીરભાઈ સોરા એ ફરિયાદી તથા સાહેદોને વિદેશ જવાની લાલચ આપી તેમના અસલ પાસપોર્ટ તથા રોકડા રૂૂપિયા 6,70,000/- મેળવી પરત ન આપી છેતરપીંડી કરી હતી, જે ગુનો તા.27/04/2026ના રોજ જાહેર થયો હતો.
ઉપરોક્ત ગુનાઓના આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ નિર્લિપ્તરાય તથા પોલીસ અધિક્ષક જામનગર ડો. રવીમોહન સૈની દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ હતી. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામનગર સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ડાભી ની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ. વી.એ. પરમાર તથા પી.એસ.આઈ. કે.એચ. ચાવડા અને સર્વેલન્સ સ્કવોડની અલગ-અલગ ટીમો બનાવી ખાનગી બાતમીદારો, મોબાઈલ લોકેશન તથા એલ.સી.બી.ના ટેકનિકલ સેલની મદદથી આરોપી રાજેન્દ્ર મૂળુભાઈ રાજગોર, ઉવ.36 વર્ષ, ધંધો એજન્ટ, (રહે. હાલ જામનગર હાઇવે ન્યારા બસ સ્ટોપ પાસે) રાજકોટને રાજકોટ ખાતેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
