જામનગરમાં હનીટ્રેપ કરતી ટોળકી અંતે ઝડપાઇ

કારમાં અપહરણ કરી બ્લેકમેઇલ કર્યાની ફરિયાદ બાદ પોલીસે ઝડપી લીધા જામનગરમાં હની ટ્રેપના મામલે એક યુવાનનું અપહરણ કરી જઇ માર મારી તેને લૂંટી લેવા અંગેનો…

કારમાં અપહરણ કરી બ્લેકમેઇલ કર્યાની ફરિયાદ બાદ પોલીસે ઝડપી લીધા

જામનગરમાં હની ટ્રેપના મામલે એક યુવાનનું અપહરણ કરી જઇ માર મારી તેને લૂંટી લેવા અંગેનો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો, જે ગુનામાં જામનગરમાં રહેતા એક યુવક યુવતી ની અટકાયત કરી લેવાઇ છે, જેઓની સાથે બે ટાબરીયાઓ પણ મળી આવ્યા છે.

જામનગર સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો નોંધાયો હતો. જેમાં ફરિયાદી હેમાંસુભાઈ જયંતીલાલ વજાણી, રહે. પંચેશ્વર ટાવર કચેરી ફળી લક્ષ્મી ભવન, જામનગર દ્વારા તા.08/05/2026ના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, પુજા નામની મહિલા દ્વારા તેમના મોબાઈલમાં મેસેજ કરી મળવા બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરિયાદી પોતાની હોન્ડા કાર લઈને પહોંચતા પુજા તેમની કારમાં બેસી ગઈ હતી. ત્યારપછી અન્ય ચાર આરોપીઓએ ફરિયાદીને બળજબરીપૂર્વક તેમની બલેનો કારમાં બેસાડી અપહરણ કરી અલગ-અલગ જગ્યાએ લઈ જઈ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ફરિયાદીના ગળામાં રહેલ ચાંદીની ચેઇન, હાથમાં રહેલી ચાંદીની લકી તથા રોકડા રૂપિયા 1,400 બળજબરીપૂર્વક પડાવી લીધા હતા.

ઉપરોક્ત ગંભીર ગુનાના આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ નિર્લિપ્તરાય તથા જામનગર જિલ્લા ના પોલીસ અધિક્ષક ડો. રવીમોહન સૈની દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ હતી. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જામનગર સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ડાભી ની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ. વી.એ. પરમાર તથા ટીમ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ખાનગી બાતમીદારો, મોબાઈલ લોકેશન તથા એલ.સી.બી.ના ટેકનિકલ સેલની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં આવ્યું હતું.
આ કાર્યવાહી દરમિયાન આરોપી (1) યશ ઉર્ફે આર્યન નરશેભાઈ રાઠોડ, ઉવ.19 વર્ષ, ધંધો મજૂરી, રહે. ઢીચડા રોડ, તિરુપતિ સોસાયટી, શેરી નં.05, દરગાહ પાસે, ગુલાબભાઈના મકાનમાં ભાડેથી, જામનગર. તેમજ (2) પુજા અરવિંદભાઈ પરમાર, ઉવ.25 વર્ષ, ધંધો ઘરકામ, રહે. ઢીચડા રોડ, તિરુપતિ સોસાયટી, શેરી નં.05, દરગાહ પાસે, ગુલાબભાઈના મકાનમાં ભાડેથી, જામનગર. તથા બે કાયદાથી સંઘર્ષિત કિશોરોને દમણ ખાતેથી સ્થાનિક પોલીસની મદદથી કબજામાં લેવામાં આવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે, કે આ ટોળકીએ જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં અગાઉ પણ અનેક લોકોને હનીટ્રેપમાં ફસાવી તેમની પાસેથી રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીના પડાવ્યા હોવાની કબૂલાત આપી છે. આ તમામ બનાવોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર જણાશે ત્યાં વધુ ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આરોપીઓએ અગાઉ પણ અનેક ગુનાઓ આચર્યા હોવાની વિગતો સામે આવી
આશરે બે વર્ષ અગાઉ પુજા, સાદિક તથા વિજય સાથે મળી રાજકોટના નિમેષ પટેલ નામના વ્યક્તિને મોબાઈલ મારફતે બોલાવી તેનો અશ્ર્લીલ વીડિયો બનાવી ધમકી આપી આશરે દસ લાખ રૂપિયા પડાવ્યા હતા. આ રકમ અલગ-અલગ એકાઉન્ટ મારફતે વહેંચી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આશરે છ મહિના પહેલા પુજા તથા અન્ય સાગરિતો સાથે મળી જયશ્રી ટોકીઝ પાસે ઢોસાની રેકડી ચલાવતા શ્યામભાઈ નામના વ્યક્તિને પણ આવી જ રીતે ફસાવી રૂપિયા પડાવ્યાની વિગતો સામે આવી રહી છે. આ સમગ્ર મામલે જામનગર સીટી સી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *