જામનગરમાં અજાણયા બે શખ્સોના હુમલામાં ઘવાયેલા રિક્ષાચાલક યુવાને રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડી દેતા તેનુ મોત નીપજ્યુ હતું. અજાણયા શખ્સોએ ઝઘડો કરી કપાળમાં ધુંબા માર્યા બાદ ઉલ્ટીઓ થતા તેને હેમરેજ થયાનું ખુલવા પામ્યુ હતું. આ અંગે પીએમ રીપોર્ટ બાદ જો મારના લીધે મોત થયુ હશે તો હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ જામનગરમાં કાલાવડ નાકા બહાર સનમ સોસાયટી વિસ્તારમાં રહેતા ઇબ્રાહિમ દાઉદભાઇ માકોડા નામના 45 વર્ષના રિક્ષાચાલક ગત તા.16ના સવારે ગાંધીનગરથી ડી.કે.વી કોલેજ વિસ્તારમાં રીક્ષાનું ભાડું લઇને આવ્યા હતા, ત્યારે બે અજાણ્યા વ્યક્તિ ત્યાં આવીને કહેવા લાગેલા કે અહીયાં તું રિક્ષા કેમ રાખશ, તેમ કહી કપાળના ભાગે ધુંબા મારવા લાગ્યા હતા. દરમિયાન લોકો એકઠા થઇ જતા બન્ને હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. બાદમાં ઇબ્રાહિમભાઇ ઘરે આવતા તેમને પત્નીને માથામાં દુખાવો થતા હોવાનુ જણાવ્યુ હતું. ત્યારબાદ તેઓ રિક્ષા લઇ ભાડા કરવા માટે જતા રહ્યા હતા અને બપોરે 12 વાગ્યના અરસામાં ઘરે આવી સુઇ ગયા હતા. બાદમાં સાંજે તેમને ઉલ્ટી થવા લાગતા તેમને 108 મારફત જામનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેઓ બેભાન હાલતમાં હોય પોલીસે અજાણાયા બે શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન ઇબ્રાહિમભાઇની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે તા.17ના રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ચાલુ સારવાર દરમિયાન આજે બપોરે તેમનુ મોપ નિપજ્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી જામનગર બિ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. મૃતક ઇબ્રાહિમભાઇના મૃતદેહના પીએમ રીપોર્ટ બાદ મૃત્યુના કારણમાં જો માર મારવાના લીધે તેમનુ મોત થયુ હશે તો હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે. બીજી તરફ જામનગર પોલીસે સીસીટીવી ફુટેજના આધારે હુમલો કરનાર બંન્ને શખ્સોની ઓળખ કરી લીધી હોવાનુ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.
