મધ્ય ગુજરાતના 55 તાલુકા અને 37 પાલિકા વિસ્તારોમાં યાત્રા 1400 કિ.મી. ભ્રમણ કરી લોકોનાં પ્રશ્નો અને ભ્રષ્ટાચારને ઉજાગર કરાશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, જન આક્રોશ યાત્રાના ઉત્તર ગુજરાતમાં યોજાયેલા પ્રથમ ચરણને જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ અને વ્યાપક જનસમર્થન મળ્યું છે. આ યાત્રા દરમિયાન જનતાએ ત્રણ દાયકાના ભાજપ શાસનમાં વ્યાપક બનેલા ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, ભેદભાવ અને અન્યાય સામે ખુલીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. જનતાના પ્રશ્નો, પીડા અને અવાજને વાંચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જન આક્રોશ યાત્રાની શરૂૂઆત કરી હતી.
અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતની સફળતા બાદ હવે જન આક્રોશ યાત્રાના બીજા ચરણની શરૂૂઆત 20 ડિસેમ્બર 2025 થી મધ્ય ગુજરાતમાં કરવામાં આવશે. આ યાત્રા ભાથીજી મહારાજના ફાગવેલ ધામથી શરૂૂ થઇ 6 જાન્યુઆરીએ દાહોદ ખાતે કંબોઈ ધામમાં પૂર્ણ થશે. મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને દાહોદ એમ સાત જિલ્લાઓમાં, ત્રણ મહાનગરપાલિકામાં, અંદાજે 55 તાલુકા અને 37 નગરપાલિકા વિસ્તારોમાં યાત્રા ભ્રમણ કરશે. આશરે 1400 કિ.મી.નું ભ્રમણ કરીને મધ્ય ગુજરાતના લોકોના પ્રશ્નો અને ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં આવશે.
મધ્ય ગુજરાતમાં આદિવાસી સમાજના પ્રશ્નો, મનરેગામાં થયેલા કરોડોના ભ્રષ્ટાચાર, નલ સે જલ યોજનાની અનિયમિતતાઓ, અમૂલ પેટર્ન સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોના પ્રશ્નો, પીવાના પાણી અને સિંચાઈની સમસ્યાઓ, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર, વડોદરા શહેરમાં દર વર્ષે આવતી પૂર સમસ્યા અને કરમસદ સહિત અનેક વિસ્તારોમાં સ્થાનિક પ્રશ્નોને યાત્રા દરમિયાન પ્રાથમિકતા આપવામાં આવશે.
ડો. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે ભ્રષ્ટાયારની પરાકાષ્ઠા એવી છે કે હવે સત્તાધારી પક્ષના ધારાસભ્યો પણ સરકાર અને અધિકારીઓ સામે ફરિયાદો કરી રહ્યા છે. જો શાસક પક્ષના ધારાસભ્યોનું અવાજ ન સાંભળવામાં આવતું હોય તો સામાન્ય જનતાની હાલત શું હશે, એ કલ્પી શકાય છે. આ જ કારણોસર ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ યાત્રાને ઉત્તમ પ્રતિસાદ મળ્યો અને મધ્ય ગુજરાતમાં તેનાથી પણ વધુ જનસમર્થન મળશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો.
