‘ગુજરેરા’ના ઓડિટમાં ભાંડો ફૂટતા બિલ્ડરોને નોટિસો ફટકારાઇ
બુકિંગ અને વેચાણની 70 ટકા રકમ રેરા-રજિસ્ટર્ડ એકાઉન્ટના બદલે અન્ય ખાતામાં જમા કરાવી દીધી
ગુજરાતમાં 400 જેટલા બિલ્ડરોએ ગ્રાહકો પાસેથી બુકિંગના નાણા ઉઘરાવ્યા બાદ ‘રેરા’ દ્વારા નિયત કરેલા કામોના બદલે અન્ય કમોમાં ગ્રાહકોના નાણા ખર્ચી નાખતા ગુજરાત ‘રેરા’એ સુઓ મોટો પગલા લઇ 400 જેટલા બિલ્ડરોને નોટિસો ફટકારી છે. આ નિયમનું ઉલ્લંઘન સાબિત થાય તો બિલ્ડરોને કુલ પ્રોજેકટ ખર્ચના પાંચ ટકા સુધીનો દંડ થઇ શકે છે.
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ૠીષછઊછઅ) એ રાજ્યભરના 400 થી વધુ બિલ્ડરો સામે સુઓ મોટો (સ્વયં સંજ્ઞાન) પગલાં લીધા છે. રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ હેઠળ ફરજિયાત નાણાકીય સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ આ બિલ્ડરોને નોટિસો ફટકારવામાં આવી છે.
ગુજરેરા દ્વારા કરાયેલા ઓડિટમાં બહાર આવ્યુ છે કે, વર્ષ 2021-22 થી 2023-24 સુધીના સબમિટ કરાયેલા વાર્ષિક ફાઈલિંગના વિગતવાર વિશ્ર્લેષણ બાદ, ઘણા બિલ્ડરો એકત્રિત કરાયેલ બુકિંગ અને વેચાણની રકમના 70% નાણાં નિયત ’રેરા-રજિસ્ટર્ડ બેંક ખાતાઓ’માં જમા કરવામાં નિષ્ફળ રહ્યા હતા. તેના બદલે, આ ભંડોળ અન્ય ખાતાઓમાં ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. સૂત્રો આ પ્રથાને ’ગંભીર ઉલ્લંઘન’ ગણાવી રહ્યા છે, કારણ કે આ જોગવાઈ ખાસ કરીને પ્રોજેક્ટ્સની નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા અને ઘર ખરીદનારાઓના હિતોના રક્ષણ માટે બનાવવામાં આવી છે. નોટિસોમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે આવી નાણાકીય વર્તણૂક પ્રોજેક્ટ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટની શરતો અને રેરા નિયમોની મૂળભૂત જોગવાઈઓનો ભંગ કરે છે.
ભંડોળના ડાયવર્ઝન ઉપરાંત, ગુજરેરાને અન્ય બે મહત્વપૂર્ણ પાલન સંબંધિત મુદ્દાઓ પણ ધ્યાને આવ્યા છે. જેમાં વેચાણ માટેના ઔપચારિક કરાર કર્યા વિના પ્રોપર્ટી વેલ્યુના 10% થી વધુ રકમ એડવાન્સ પેમેન્ટ તરીકે સ્વીકાર્યા હતા. આવા બિલ્ડરોને નોટિસ આપવામાં આવી હતી.
આ ઉપરાંત અધિકારીઓએ રેરા-રજિસ્ટર્ડ ખાતાઓમાંથી વધુ પડતા ઉપાડના કિસ્સાઓ નોંધ્યા હતા. રેરા એક્ટની કલમ 4(2)(હ)(ઉ) હેઠળ, ડેવલપર્સ એન્જિનિયર, આર્કિટેક્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રમાણિત કર્યા મુજબ, પ્રોજેક્ટની પૂર્ણતાના પ્રમાણમાં જ ભંડોળ ઉપાડી શકે છે. જોકે, ચકાસણીમાં બહાર આવ્યું છે કે કેટલાક બિલ્ડરોએ આ પ્રમાણિત મર્યાદા કરતાં વધુ ભંડોળ ઉપાડ્યું હતું, જેના કારણે વધુ નિયમનકારી નોટિસો આપવામાં આવી છે.
આ ઉલ્લંઘનો માટેની સુનાવણી શરૂૂ થઈ ગઈ છે અને ઓથોરિટી વ્યક્તિગત રીતે કેસોની સમીક્ષા કરવાની તૈયારી કરી રહી છે. અધિકારીઓએ સંકેત આપ્યો છે કે જો નોંધપાત્ર ઉલ્લંઘનો સાબિત થશે, તો કુલ પ્રોજેક્ટ ખર્ચના 5% જેટલો મોટો દંડ ફટકારવામાં આવી શકે છે.
