શહેરમાં ફરી એકવાર બેફામ વાહનચાલકના લીધે એક આશાસ્પદ યુવતીએ જીવ ગુમાવવો પડ્યો છે. સિવિલ હોસ્પિટલ નજીકના બ્રિજ પર બનેલી હિટ એન્ડ રનની ગંભીર ઘટનામાં 22 વર્ષીય મેડિકલ સ્ટુડન્ટ સ્નેહા ઘોરીનું કરુણ મોત નીપજ્યું છે. ભવિષ્યમાં સાઇકિયાટ્રિસ્ટ બનીને સમાજની સેવા કરવાના ઓરતા સેવતી માસૂમ દીકરીના તમામ સપના એક બેદરકાર કારચાલકની અડફેટે ચૂરચૂર થઈ ગયા છે.
બોમ્બે માર્કેટ નજીક નવજીવન સોસાયટીમાં રહેતા અને એમ્બ્રોઈડરીનું કારખાનું ચલાવતા પ્રકાશભાઈ ઘોરીની દીકરી સ્નેહા સાયકોલોજીમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતી હતી. રોજની જેમ તે પોતાની ઇલેક્ટ્રિક મોપેડ લઈને કોલેજ જવા નીકળી હતી. દરમિયાન સિવિલ બ્રિજ પર પાછળથી પુરપાટ ઝડપે આવેલી એક કારે તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જી કારચાલક મદદ કરવાને બદલે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ઘટના બાદ ગંભીર હાલતમાં સ્નેહાને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેણે દમ તોડ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવેલા ચોંકાવનારા તથ્યો મુજબ, ટક્કર વાગ્યા બાદ કારનું ટાયર સ્નેહાની પીઠ પરથી ફરી વળ્યું હતું. જેના કારણે તેના આંતરિક અંગોને ગંભીર નુકસાન પહોંચ્યું હતું અને શરીરમાં મોટા પાયે ઇન્ટરનલ બ્લીડિંગ થવાથી તેનો જીવ બચાવી શકાયો નહોતો.
માસૂમ દીકરીના અચાનક વિદાયથી ઘોરી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બનાવ અંગે ખટોદરા પોલીસ મથકે પિતા પ્રકાશભાઈની ફરિયાદના આધારે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનાહિત બેદરકારી અને હિટ એન્ડ રનનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે સિવિલ બ્રિજ અને આસપાસના CCTV ફૂટેજ સ્કેન કરીને ફરાર વાહનચાલકની શોધખોળ તેજ કરી છે.
