શ્રમિક આધેડે રાજકોટ સારવારમાં દમ તોડતા પરિવારમાં ગમગીની
ભાણવડના વેરાવણ ગામે રહેતા શ્રમિક આધેડ બાઈક લઈ ભાણવડ ગામે કરિયાણું લેવા જતા હતા ત્યારે ભાણવડ નજીક પહોંચતા તુફાન કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા આધેડનું મોત નિપજતા પરિવાર શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભાણવડના વેળાવણ ગામે રહેતા ભાવસિંગ ચિત્રોદઇસિંગ ચૌહાણ નામના 54 વર્ષના આધેડ પોતાનું બાઈક લઈને ભાણવડના શિવ ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલી અજાણી તુફાન કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા આધેડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ભાણવડ પોલીસને જાણ કરતા ભાણવડ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી આધેડના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક આધેડ મધ્યપ્રદેશના વતની હતા અને ચાર ભાઈ ત્રણ બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં પાંચ પુત્ર અને એક પુત્રી છે આધેડ ભાણવડ ગામે કરિયાણું લેવા જતા હતા ત્યારે અજાણી તુફાન કારના ચાલકે ઠોકરે ચડાવતા સર્જાયેલા અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભાણવડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
