વ્યાજખોરે 21 લાખ વ્યાજે આપી ધ્રોલના ખેડૂતની કરોડોની જમીન પડાવી લીધી

21 લાખની સામે 30 લાખ ચૂકવ્યા છતાં વધુ 70 લાખની માગણી કરી ! મોરબીના દંપતી સહિત પાંચ શખ્સો સામે વ્યાજખોરી, છેતરપિંડી, કાવતરું અને ધમકીનો નોંધાતો…

21 લાખની સામે 30 લાખ ચૂકવ્યા છતાં વધુ 70 લાખની માગણી કરી !

મોરબીના દંપતી સહિત પાંચ શખ્સો સામે વ્યાજખોરી, છેતરપિંડી, કાવતરું અને ધમકીનો નોંધાતો ગુનો

નાનામવા રોડ પર મની પ્લસ શરાફી મંડળીના નામે વ્યાજખોરીના ધંધા ચલાવતા કુખ્યાત વ્યાજખોર અલ્પેશ ગોપાલભાઈ દોંગાએ સાગરીત રાજકોટના નૈમિષ બાબુભાઈ રામાણી તથા ધ્રોલના ભુરા ભરવાડ, મોરબીના દંપતી નારણ ભરવાડ, પુરી ભરવાડ સાથે મળી ધ્રોલના વાંકીયા ગામના ખેડૂત જયસુખ મોહનભાઈ ભીમાણીની વાંકીયા ગામની કરોડોની કિંમતની જમીન વ્યાજે આપેલા નાણાના બદલામાં વધુ નાણા વસુલી જમીન બારોબાર અન્ય સાગરીતોને દસ્તાવેજ કરી આપ્યાના આરોપસર રાજકોટ તાલુકા પોલીસ મથકે પાંચેય સામે ગુનો નોંધાયો છે.

ખેડૂત જયસુખભાઈ ભીમાણીએ નોંધાવેલી ફરિયાદમાં પોતાને ધંધામાં નાણાની જરૂૂર પડતા મની પ્લસ શરાફી મંડળી ચલાવતા અલ્પેશ પાસેથી તા.15/7/2022ના રોજ સંપર્ક કરીને 21 લાખ રૂૂપિયા બે ટકા વ્યાજે લીધા હતા. જેના બદલામાં અલ્પેશે તેના સાગરીત નૈમિષ રામાણીના નામે વાંકીયા ગામની અંદાજે 20 વિઘા (2.71.74 હેકટર) જમીનનો પેન્ડીંગ દસ્તાવેજ કરાવી લીધો હતો.

નાણા પરત આપી દે પછી દસ્તાવેજ ફરી જયસુખના નામે કરી આપવાની શરત સાથે દસ્તાવેજ કરાવ્યો હતો.પેન્ડીંગ દસ્તાવેજમાં સાક્ષી તરીકે જયસુખના બે પુત્રો પ્રશાંત તથા પાર્થે સહીઓ કરી હતી.ત્રણ માસ સુધી વ્યાજ ચુકવ્યું હતું.ત્યાર બાદ વ્યાજ ચુકવી શકયો ન હતો.

એકાદ વર્ષ બાદ અલ્પેશને વ્યાજ અને મુદલની રકમ મળી તા.16/10/23ના રોજ 15 લાખ અને તા.19/10/23ના રોજ બીજા 15 લાખ મળી 30 લાખ ચુકવ્યા હતા. નાણા આપ્યા તે સમયે બન્ને પુત્રો ઉપરાંત કરશનભાઈ અરજણભાઈ જાવિયા, મહેશભાઈ સંતોકી, રાજેશભાઈ ગડારા અને ભાઈ જેંતીભાઈ મોહનભાઈ ભીમાણી સાથે હતા.

નાણા ચુકવી દીધા બાદ પેન્ડીંગ દસ્તાવેજ પોતાના નામે કરી આપવાનું જયસુખે કહેતા દસ્તાવેજની રકમના 6.51 લાખ આપવા પડશે તેવું લખાણ કયુ હતું. 6.51 લાખની રકમ આપવા હા પાડી હતી છતાં આરોપી અલ્પેશ અને નૈમિષ દસ્તાવેજ કચેરીએ આવતા નહીં અને અલગ અલગ તારીખો સાથે બહાના બતાવતા હતા. દરમિયાનમાં બન્નેએ એવું કહ્યું કે જો જમીનનો દસ્તાવેજ પરત કરાવવો હોય તા જમીન પાછી જોઈતી હોય તો હજી 70 લાખ આપવા પડશે નહીં તો જમીન ભુલી જાજે.

ત્યારબાદ ધ્રોલ બસ સ્ટેન્ડ પાસે ચાની દુકાન ધરાવતા આરોપી ભુરા નાગજી ભરવાડ ગત તા.20424ના રોજ વાડીએ આવ્યો હતો અને મજુરોને ધમકાવ્યા હતા કે, આ જમીન હવે મે લઈ લીધી છે. હવે જમીન પર પગ મુકતા નહીં. ફરી બીજા દિવસે ભુરો ભરવાડ આવ્યો હતો અને જો પગ મુકશો તો જાનથી મારી નાખીશ તમે કહી ધમકી આપી હતી.
આરોપી મુખ્ય સુત્રધાર અલ્પેશ અને તેના મળતીયાઓ જમીન પચાવી પાડયાનો જ ઈરાદો હોય તે રીતે અલ્પેશ, નૈમિષે જમીનનો દસ્તાવેજ મોરબીના પુરી ભરવાડના નામે કરી આપ્યો હતો.

જે બાબતે તા.30-6ના રોજ ખ્યાલ આવતાની સાથે નૈમિષ તથા અલ્પેશને વાત કરતા બન્નેએ 70 લાખ ચુકવ્યા નથી એટલે જમીનનો દસ્તાવેજ પુરીબેન જીવણભાઈ ભરવાડના નામે કરી આપ્યો છે. અમારા માણસો છે. 70 લાખ આપો તો પાછો દસ્તાવેજ કરાવી દઈએ.

ભુરો ભરવાડ ફરી જમીન પર આવતો હતો અને જમીન મારા સગા નારણ ભરવાડે ખરીદી છે અને તેનો દસ્તાવેજ પુરીબેનના નામે કરેલો છે.

જમીન ખાલી કરાવવાનો હવાલો નારણભાઈએ મને આપ્યો છે તેમ કહી નારણ ધાકધમકી આપતો હતો.સમગ્ર બનાવ સંદર્ભે જયસુખે પોલીસ કમિશનરને લેખીત ફરિયાદ આપી હતી જેના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો જેમાં પીઆઇ ડી.એમ.હરિપરા અને રાઇટર કાનાભાઈ સહિતના સ્ટાફે તપાસ શરૂૂ કરી છે.

અલ્પેશના કારણે અગાઉ જેતપુરના એજન્ટે પણ ગળેફાંસો ખાધો હતો
અલ્પેશ દોંગીએ મની પ્લસ શરાફી મંડળીમાં રોકાણકારોએ રોકેલા પૈસા પરત ન આપતા જેતપુરના એક એજન્ટે ગળેફાંસો ખાઈ લીધો હતો અને ત્યાર બાદ પોલીસ ફરિયાદ થઈ હોવાનું જાણમાં આવ્યા બાદ હવે રાજકોટ, મોરબી, સુરતના અનેક રોકાણકારો સાથે એજન્ટોને પણ મની પ્લસ શરાફી મંડળીના સંચાલક અલ્પેશ દોંગાએ ચૂનો ચોપડયાનું બહાર આવ્યું હતું.એટલું જ નહીં જ્યારે એજન્ટો આ અંગે ફરિયાદ કરતા ત્યારે અલ્પેશ નફ્ફટાઈથી કહેતો કે તમે લોકો મારી ઉપર કેસ કરીને મારું શું બગાડી લેશો? આખુ પોલીસ તંત્ર મારા ખિસ્સામાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *