રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે ઉનાના ભીમપરામાં આધેડને આંખલાએ ઢીંકે ચડાવ્યા હતા. આધેડને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ઉનાના ભીમપરામાં રહેતા રમેશભાઈ ગુલાબભાઇ સોલંકી નામના 45 વર્ષના પ્રૌઢ પાંચ દિવસ પૂર્વે સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ગામમાં ચાલીને જતા હતા ત્યારે આખલાએ ઢીંક મારી હતી પ્રૌઢને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ઉના બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આધેડની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ટુંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક રમેશભાઈ સોલંકી ત્રણ ભાઈમાં નાના હતા અને તેમને સંતાનમાં બે પુત્ર છે રમેશભાઈ સોલંકી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને ઘટનાના દિવસે રમેશભાઈ સોલંકી ગામમાં ચાલીને જઈ રહ્યા હતા ત્યારે આખલાએ ઢીંકે ચડાવતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
