ગોંડલનાં ભોજપરામાં ચંદ્રમૌલેશ્ર્વર મંદિરે શિવલિંગ સામે બેસી પોતાનું જ ગળું કાપ્યું, ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
રાજકોટ જિલ્લાના ગોંડલમાં અંધશ્રધ્ધામાં અંધ એક આધેડે ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરે ગળુ કાપી કમળ પુજાનો પ્રયાસ કરતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે રાજકોટની હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ છે. જયાં તેણે આજે સવારે પોતાનું ગળુ કાપી જાતબલી ચડાવવાનો પ્રયાસ કર્યાનું બહાર આવ્યું છે. આ બાબતે ગોંડલ પોલીસે રાજકોટની સીવીલ હોસ્પીટલે પહોંચી જઇ આધેડના પરિવારના નિવેદન લેવા તજવીજ શરૂ કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ ગોંડલ- જેતપુર રોડ પર આવેલ આશોપાલવ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.47) નામના આધેડ આજે સવારે પોતાના ઘરેથી નિકળી ભોજપરા ગામે આવેલ નુતન સ્કુલ પાસેના ચંદ્રમૌલેશ્વર મંદિરે પહોંચ્યા હતા. ત્યાં પુજા કર્યા બાદ આજુબાજુમાં કોઇ નહીં દેખાતા પોતાની પાસે રહેલી ધારદાર છરી વડે પોતાનું ગળુ કાપી બલી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ કોઇ દર્શનાર્થીએ આધેડને લોહી લુહાણ હાલતમાં શિવલિંગ પાસે પડેલા જોઇ આજુબાજુના લોકોને જાણ કરી હતી. તેમજ સૌ પ્રથમ ગોંડલ બાદ તેઓને એમ્બ્યુલન્સ મારફતે રાજકોટની સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓને ઇમરજન્સી વોર્ડમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઘટના બાબતે હોસ્પીટલ ચોકીના સ્ટાફે એન્ટ્રી નોંધી ગોંડલ પોલીસને જાણ કરી હતી. ધર્મેન્દ્રસિંહ ઝાલા મુંબઇમાં કોન્ટ્રાકટર સાથે કામ કરે છે. તેમજ તેઓ શિવભક્ત છે. તેમને સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. તેઓ બે મહીનાથી ગોંડલ તેમના ઘરે આવ્યા હતા. પોતે બે ભાઇમાં મોટા હોવાનું જાણવા મળી રહ્યું છે. હોસ્પીટલે ધર્મેન્દ્રસિંહને સારવાર માટે લઇને આવેલા તેમના નાના ભાઇ ક્રિપાલસિંહે જણાવ્યું હતું કે ભાઇ ધર્મેન્દ્રસિંહ આજે સવારે મંદિરે જાવ છું તેમ કહી નિકળ્યા બાદ તેઓ મંદિરેથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. તેઓએ કમળપુજા કરવાનો પ્રયાસ કર્યો હોવાનો હાલ સ્થાનીકોમાંથી જાણવા મળી રહ્યું છે.
