રાજકોટના રામનગર વિસ્તારમાં રહેતા 36 વર્ષીય નેહાબેન નિલેશભાઈ સાગઠીયાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમનું કરુણ મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, ગત સાંજે આઠ વાગ્યાની આસપાસ જ્યારે નેહાબેન અશોક ગાર્ડન, આનંદ બંગલા ચોક પાસે હતા, ત્યારે તેમણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. હાલત બગડતા તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમણે દમ તોડ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક મહિલાના લગ્ન 10 વર્ષ પૂર્વે થયા હતા અને તેમના પતિ વ્યવસાયે રિક્ષાચાલક છે.
બનાવના થોડા સમય પહેલા જ નેહાબેનને તેમના પતિ સાથે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો, જે બાદ તેમણે આ અંતિમ ડગલું ભર્યું હોવાનું મનાય છે. આ આપઘાતની ઘટનાથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે અને સંતાનમાં રહેલા એકના એક પુત્રએ માતાની મમતા ગુમાવી છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
