મેટોડામાં શ્રમિક પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત
રાજકોટ પંથકમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે પ્રૌઢનાં શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટનાં પ્રૌઢ જમીને ઉભા થયાની સાથે જ વ્યાજખોર માતા-પુત્રએ ફોન કરી ધમકી આપતાં પ્રૌઢનું હાર્ટબેસી ગયું હતું. પ્રૌઢના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં નવા થોરાળા વિસ્તારમાં રહેતાં કાળુભાઈ ભીખાભાઈ પરમાર (ઉ.45) બપોરના સમયે પોતાના ઘરે હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે પ્રૌઢનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પુછપરછમાં કાળુભાઈ પરમાર ચાર ભાઈમાં મોટા હતાં અને તેને સંતાનમાં બે પુત્ર છે. કાળુભાઈ પરમારે વ્યાજે લીધેલા 50 હજારની ઉઘરાણી માટે માતા-પુત્રએ ફોન કરી ધમકી આપતાં કાળુભાઈ પરમારનું હૃદય બેસી ગયું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.
આ ઉપરાંત બીજા બનાવમાં મેટોડા જીઆઈડીસીમાં રહેતાં રમેશભાઈ ખફુઆ બંસલ (ઉ.45) નામના પ્રૌઢ મધરાત્રે પોતાના ઘરે હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રૌઢ મુળ મધ્યપ્રદેશના વતની હતા અને ત્રણ ભાઈ ચાર બહેનમાં વચેટ હતાં. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
