કેશોદમાં મોણા દરવાજા પાસે નાનાભાઈ સાથે ચાલતા ઝઘડાનો હાર રાખી એક શખ્સે યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કેશોદમાં આવેલા મોણા દરવાજા પાસે મદીયા હનુમાનજીના મંદિર નજીક રહેતા ઇલીયાસ આરબભાઈ નામનો 32 વર્ષનો યુવાન બપોરના બેએક વાગ્યાના અરસામાં કેશોદમાં આવેલ આંબાવાડી વિસ્તારમાં હતો ત્યારે શાબીર દલ નામના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે કેશોદ પોલીસને જાણ કરતા કેશોદ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં હુમલામાં ઘવાયેલો યુવાન સોડા મશીન રીપેરીંગનું કામ કરી પરિવારને આર્થિક મદદ કરે છે અને તેના નાના ભાઈ અમઝદ સાથે અગાઉ હુમલાખોર શાબીર દલે ઝઘડો કર્યો હતો.
જે ઝઘડાનો ખાર રાખી છરી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે કેશોદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
