યુવાનને માથામાં હેમરેજ થતા બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયો; અસ્થિર મગજના યુવકને પોલીસે પકડી હોસ્પિટલમાં દાખલ કરી દીધો
ગોંડલ ગાંડાએ માથે લીધું હોય તેવા દ્રશ્ય સર્જાયા હતાં. જેમાં સ્ટેશન પ્લોટ વિસ્તારમાં એક હિંદીભાષી પરપ્રાંતીય શખ્સે અચાનક આતંક મચાવી રાહદારીઓને આડેધડ ધોકાવાળી કરતા મહિલા સહિત ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. જેમાં ગૌરક્ષકને માથાના ભાગે હેમરેજ જેવી ઈજા પહોંચતાં બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. લોકોએ હિંમત કરીને આતંક મચાવનાર શખ્સને પોલીસ હવાલે કર્યો હતો પરંતુ આ શખ્સની ભાષા નહીં સમજાતી હોવાથી પોલીસ પણ ધંધે લાગી છે. ધમાલ મચાવનાર શખ્સ માનસિક અસ્થિર હોવાની શંકાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ ગોંડલના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં એક હિન્દીભાષી શખ્સે ધોકા વડે આતંક મચાવ્યો હતો. તે દરમિયાન ગોંડલમાં જેતપુર રોડ પર ગુજરાત હાઉસીંગ બ્લોકમાં રહેતાં ચિરાગભાઈ શંભુભાઈ પાઘડાર (ઉ.32) અને તેના મિત્ર રવિરાજભાઈ રણછોડભાઈ સોજીત્રા બન્ને રાત્રીનાં દસેક વાગ્યાના અરસામાં ભોજપરા ખાતે ગૌમંડળ ગૌશાળામાંથી ગાયો માટેની દવાવાળી રોટલીઓ લઈ ગાયોને ખવડાવવા માટે જતાં હતાં. ત્યારે સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આતંક મચાવતો આશરે 30 વર્ષિય યુવક પાઈપ સાથે ધસી આવ્યો હતો.
જેથી રવિરાજભાઈ સોજીત્રાએ પોતાનું સ્કુટર ઉભુ રાખી દેતાં અજાણ્યા શખ્સે રવિરાજભાઈ સોજીત્રાને માથાના ભાગે પાઈપ ઝીંકી દીધો હતો અને ચિરાગભાઈ પાઘડારને વાસાના ભાગે પાઈપ મારી દીધો હતો. રવિરાજભાઈ સોજીત્રાને માથાના ભાગે હેમરેજ જેવી ઈજા પહોંતચાં તાત્કાલીક સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. શિશુ મંદિર નજીક સ્ટેશન પ્લોટમાં કેટલાક ગૌસેવકો ગાયોની સેવા કરી રહ્યા હતા. આરોપીએ આટલેથી જ અટક્યો નહોતો. તેણે અન્ય બે રાહદારીઓને પણ નિશાન બનાવી માર માર્યો હતો. વધુમાં, તેણે એક અજાણી મહિલાનો પણ ધોકો લઈને પીછો કર્યો હતો. આ કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.
સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓએ હિંમતભેર આ શખ્સને રેલ્વે સ્ટેશન નજીકથી પકડી પાડ્યો હતો. ત્યારબાદ ગોંડલ શહેર બી-ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આરોપીને કબજે લીધો હતો. ગોંડલમાં આતંક મચાવનાર અજાણ્યો શખ્સ અસ્થિર મગજનો હોવાની શંકાએ પોલીસ દ્વારા તેને તાત્કાલીક સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હુમલાખોર અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગૌરક્ષક ચિરાગભાઈ પાઘડારે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદનાં આધારે અજાણ્યા યુવકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
