ખાંભામાં ઘરઆંગણે રમતા બે વર્ષના બાળકને દબોચી દીપડો ભાગ્યો, પરિવારે પીછો કરી જીવ બચાવ્યો

અમરેલી જિલ્લામાં દીપડાના માનવ પરના હુમલાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ખાંભાના હનુમાનપુરમાં વધુ એક હુમલાની ઘટના સામે આવી છે. ગઇકાલે મોડી સાંજે ઘર…

અમરેલી જિલ્લામાં દીપડાના માનવ પરના હુમલાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ખાંભાના હનુમાનપુરમાં વધુ એક હુમલાની ઘટના સામે આવી છે. ગઇકાલે મોડી સાંજે ઘર આંગણે રમી રહેલા એક બે વર્ષના બાળકને લઇને દીપડો ભાગ્યો હતો. જોકે, પરિવારે બુમાબુમ કરતાં દીપડો બાળકને મૂકીને ભાગી ગયો હતો. બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ખાંભા તાલુકાના હનુમાનપુર ગામની સીમમાં રમણીકભાઈ બોડાની વાડીમાં ભાગ્યા તરીકે રહેતા પરેશભાઈના પરિવારના સભ્યો વાડીમાં હાજર હતા ત્યારે બાજરીના પાકમાંથી અચાનક દીપડો બહાર આવ્યો હતો. તેણે ત્યાં રમી રહેલા બે વર્ષના ઈશ્વર પરમાર નામના બાળક પર ઝંપલાવી હુમલો કર્યો હતો.

બાળક પર હુમલો થતો જોઈ પરિવારના સભ્યોએ તરત જ ચીસો પાડી અને દોડ્યા હતા. પરિવારની આ સમયસરની હિંમત અને સતર્કતાને કારણે દીપડો બાળકને છોડીને ભાગી ગયો હતો, જેનાથી એક મોટી દુર્ઘટના ટળી હતી અને બાળકનો જીવ બચાવી શકાયો હતો. ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જઈ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તેને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ તબીબોના જણાવ્યા અનુસાર બાળકની તબિયત સ્થિર છે.

ઘટનાની જાણ થતા જ વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વનવિભાગ દ્વારા પાંજરા ગોઠવી દીપડાને પાંજરે પૂરવા માટે અલગ-અલગ ટીમો રચી સર્ચ કામગીરી શરૂૂ કરવામાં આવી છે. સાથે જ ગામ અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે હનુમાનપુર ગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *