નાણાવટી ચોકમાં એક ફ્લેટ અનૈતિક પ્રવૃત્તિનો અડ્ડો, રહીશોમાં આક્રોશ, ‘જનતા રેઈડ’ની ચિમકી

શહેરના શાંત ગણાતા રહેણાંક વિસ્તારોમાં હવે અસામાજિક પ્રવૃતિએ માથું ઊંચક્યું છે. શહેરના નાણાવટી ચોકમાં એક ફ્લેટ અનૈતિક પ્રવૃત્તિનો અડ્ડો ચાલતો હોવાની ફરિયાદ ફ્લેટ ધારકોએ કરી…

શહેરના શાંત ગણાતા રહેણાંક વિસ્તારોમાં હવે અસામાજિક પ્રવૃતિએ માથું ઊંચક્યું છે. શહેરના નાણાવટી ચોકમાં એક ફ્લેટ અનૈતિક પ્રવૃત્તિનો અડ્ડો ચાલતો હોવાની ફરિયાદ ફ્લેટ ધારકોએ કરી છે. મધ્યમ વર્ગીય પરિવારો હાલ નરક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. ફ્લેટમાં જ ચાલતા દેહવ્યાપાર અને દારૂૂની મહેફિલોથી કંટાળીને રહીશોએ હવે પોલીસ તંત્ર પાસે ન્યાયની ગુહાર લગાવી છે અને જો ટૂંક સમયમાં કાર્યવાહી નહીં થાય તો ’જનતા રેઈડ’ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

નાણાવટી ચોકમાં આવેલ એક ફ્લેટમાં મુખ્યત્વે મધ્યમ વર્ગના પરિવારો છે, જેમણે પેટે પાટા બાંધીને અને બેંક લોન લઈને પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે અહીં આશરો લીધો હતો. રહીશોનો આરોપ છે કે ફ્લેટમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓને કારણે તેમના બાળકોના માનસ પર ગંભીર નકારાત્મક અસર પડી રહી છે. જે શાંતિ અને સલામતી માટે તેમણે અહીં રોકાણ કર્યું હતું, તે હવે લુપ્ત થઈ ગઈ છે. સ્થાનિક રહીશોએ આ મામલે પોલીસ કમિશ્નર, ડીસીપી ક્રાઈમ, યુનિવર્સીટી પોલીસ, મુખ્યમંત્રી ફરિયાદ સેલ અને એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના પી.આઈને લેખિત અરજી કરી છે.જેમાં ગંભીર આક્ષેપો કર્યા છે કે ફ્લેટમાં રહેતી ત્રણ મહિલાઓ દ્વારા બહારથી પરપ્રાતીય યુવતીઓને બોલાવીને વેશ્યાવૃત્તિનો ધંધો ચલાવવામાં આવે છે. આ મહિલાઓ અત્યંત માથાભારે સ્વભાવની હોવાથી જ્યારે પણ રહીશોએ વિરોધ કર્યો છે, ત્યારે તેમને ધમકાવવામાં આવ્યા છે. રહીશો મુજબ, આ મહિલાઓ કમિશન મેળવીને પોતાના ઘરે જ અનૈતિક પ્રવૃત્તિનું કામ કરાવી રહી છે.

ફ્લેટના સભ્યોએ જણાવ્યું કે સવારના 11 વાગ્યાથી મોડી રાત સુધી અજાણ્યા અને આવારા તત્વોની અવરજવર ચાલુ રહે છે. નશાની હાલતમાં કેટલાક શખ્સો ભૂલથી અન્ય ફ્લેટમાં આવે છે અને ઘણીવાર નશામાં એડ્રેસ ભૂલી જઈને અન્ય રહીશોના દરવાજા ખખડાવે છે અથવા બેલ વગાડીને હેરાન કરે છે. આ તત્વો ગેટ પર રહેલા સિક્યુરિટી ગાર્ડને ગાંઠતા નથી અને રજિસ્ટરમાં ખોટા નામ-સરનામાં લખાવીને અંદર ઘૂસી જાય છે.ફ્લેટના રહીશોની ધીરજ હવે ખૂટી રહી છે. તેમણે તંત્રને નમ્ર અરજ કરતા જણાવ્યું છે કે, “અમે અમારી બહેન-દીકરીઓ અને બાળકોના ભવિષ્ય માટે ચિંતિત છીએ. જો પોલીસ આ વેશ્યાવૃત્તિના અડ્ડાઓ બંધ નહીં કરાવે, તો અમે મીડિયાને સાથે રાખીને જાતે જ ’જનતા રેઈડ’ કરીશું, જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે.” હવે જોવાનું એ રહે છે કે પોલીસ તંત્ર આ ગંભીર ફરિયાદ પર કેટલી ઝડપથી એક્શન લે છે અને ફ્લેટ રહીશોને આ ત્રાસમાંથી મુક્તિ અપાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *