શહેરના કોઠારીયા રોડ પર આવેલા તિરૂપતિ સોસાયટીમાં જમાઇ અને સાસરીયા વચ્ચે બઘડાટી બોલતા ધોકા-પાઇપ ઉડ્યા હતા. જમાઇ દારૂ પી પુત્રીને મારકૂટ કરતો હોવાથી માવતર પુત્રીને તેડી જતા ડખ્ખો થયો હતો. આ મારામારીમાં જમાઇ સહિત પાંચ લોકોને ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર આવેલી તિરૂપતિ સોસાયટી શેરી નં.7માં રહેતા અરજણભાઇ કાનાભાઇ જળુ (ઉ.વ.55), તેમના પત્ની મુકતાબેન (ઉ.વ.52), પુત્રી રૂપલ (ઉ.વ.25) અને પુત્ર પાર્થ (ઉ.વ.21) આજે સવારે 10:00 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે પોતાના જમાઇ રવિરાજસિંહ રઘુવીરસિંહ અને તેની સાથેના સુખાભાઇએ આવી ઝઘડો કરી ધોકા વડે મારમારતા ચારેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં અરજણભાઇની પુત્રી કિંજલને જમાઇ રવિરાજસિંહ દારૂ પી મારકૂટ કરતો હોય જેથી અરજણભાઇએ પોલીસમાં અરજી કરી પુત્રીને માવતરે તેડી આવ્યા હતા. જેથી જમાઇએ આવી તમે શુ કામ તેડી ગયા? તેમ કહી ઝઘડો કરી મારમાર્યો હોવાનું જણાવ્યું હતું.
જયારે સામાપક્ષે હુડકો ચોકડી પાસે આશાપુરા સોસાયટી શેરી નં.36માં રહેતા રવિરાજસિંહ રઘુવિરસિંહ વાળા (ઉ.વ.36)આજે સવારે તેના સસરાના ઘરે ગયા હતા ત્યારે સસરા અરજણભાઇ, સાળી રૂપલ અને સાળા પાર્થ લોખંડના પાઇપ વડે હુમલો કરી મારમાર્યો હતો. તેના જણાવ્યા મુજબ તેણે અરજણભાઇની પુત્રી કિંજલ સાથે ચાર વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા છે. અને સંતાનમાં એક પુત્ર છે. પત્ની માવતરે હોવાથી તે આજે પુત્રને તેડવા માટે સાસરીયે ગયો હતો. ત્યારે સાસરીયાઓએ ઝઘડો કરી મારમાર્યો હોવાનુ જણાવ્યુ હતુ.
