શહેરમાં વાહનની રફતારનો કહેર યથાવત હોય તેમ દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને નિર્દોશ લોકોનો ભોગ લેવાઇ રહ્યો છે. ત્યારે આવી જ એક વધુ ઘટનામાં નિર્દોશ બાઇક ચાલક કાળનો કોળીયો બની જતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. માધાપર ચોકડી પાસે રેતી ભરેલા ડમ્પરના ચાલકે બાઇક ચાલક યુવાનને કચડી નાખતા તેનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન રેઢુ મુકી નાસી છૂટ્યો હતો.
અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. પરિવારજનો દ્વારા ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જો કે, પોલીસે આરોપીને પકડવાની ખાતરી આપ્યા બાદ 14 કલાકે મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો. આ બનાવથી ચાર વર્ષના માસૂમ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં કલ્પાંત છવાઇ જવા પામ્યો છે.જાણવા મળતી વિગત મુજબ માધાપર ચોકડી પાસે ગઈકાલે રાત્રીના 10 વાગ્યા આસપાસ ડમ્પર ચાલકે બાઈક સવાર યુવકને હડફેટે લેતા ગંભીર ઇજા પહોંચવાથી યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બનાવના પગલે ડમ્પર ચાલક ડમ્પર સ્થળ ઉપર જ મૂકીને નાશી છૂટ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો.તપાસ હાથ ધરતા મૃતકની ઓળખ માધાપર પર ગામમાં સહજાનંદ સ્કૂલ પાસે રહેતા ઉદય મહેશભાઈ વાઘેલા (ઉ.વ.29) તરીકે થઈ હતી. જે બાદ મૃતકના પરિવારજનોએ ડમ્પર ચાલક ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક એસ્ટ્રોન ચોકમાં આવેલ ઇલેક્ટ્રિકની દુકાનમાં નોકરી પૂર્ણ કરી પરત ઘરે જઈ રહ્યો હતો. ત્યારે માધાપર ચોકડી ઓવરબ્રિજ નીચે પહોંચતા મોરબી રોડ પરથી વળાંક લઇ રહેલા ડમ્પરના જોટામાં આવી જતા તેનુ ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યુ હતું. બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જેથી ડમ્પર ચાલક અકસ્માત બાદ વાહન મુકી નાસી છૂટ્યો હતો.
બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતક બે ભાઈમાં મોટો અને તેને સંતાનમાં ચાર વર્ષનો પુત્ર દિવ્યાંશ હોવાનુ જાણવા મળ્યું છે. હાલ પોલીસે મૃતકના ભાઈ રોહન વાઘેલાની ફરિયાદ પરથી ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પરિવારજનોએ ડમ્પર ચાલક અને ડમ્પર માલિકને પકડવા અને ન્યાયની માંગ સાથે લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. જો કે, પોલીસે પરિવારજનોને સમજાવી આરોપીને તાત્કાલીક પકડી લેવાની ખાતરી આપતા અંતે 14 કલાક બાદ મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો.
