રાજકોટમાં વિકૃત શખ્સે ઘરમાં ઘુસી નર્સની કરેલી હત્યા

યુનિવર્સિટી રોડ ઉપર ભાડેથી રહેતા 53 વર્ષના નર્સના ઘરમાં ઘુસેલા શખ્સનો પ્રતિકાર કરતાં છરીના ઘા ઝીંકયા નર્સે સ્વ બચાવમાં વિકૃત શખ્સ ઉપર વળતો હુમલો કર્યો…

યુનિવર્સિટી રોડ ઉપર ભાડેથી રહેતા 53 વર્ષના નર્સના ઘરમાં ઘુસેલા શખ્સનો પ્રતિકાર કરતાં છરીના ઘા ઝીંકયા

નર્સે સ્વ બચાવમાં વિકૃત શખ્સ ઉપર વળતો હુમલો કર્યો

રાજકોટનાં યુનિવર્સિટી રોડ પર ઋષિકેશ-2માં ભાડે રહેતા મુળ અમદાવાદના વતની અને કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતાં 53 વર્ષિય પ્રૌઢા ઉપર ઘરમાં ઘુસી તેના પાડોશી વિકૃત શખ્સે હુમલો કરતાં આ હુમલામાં ઘવાયેલ નર્સનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો છે. આ મામલે યુનિવર્સિટી પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. નર્સે સ્વ બચાવમાં કરેલા હુમલામાં વિકૃત શખ્સ પણ ઘાયલ થયો હતો. યુનિવર્સિટી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા શખ્સને સકંજામાં લઈ વિશેષ પુછપરછ શરૂ કરી છે.

મળતી વિગતો મુજબ રાજકોટના યુનિવર્સિટી રોડ પર આયુર્વેદિક હોસ્પિટલની પાછળ ઋ્રષિકેશ-2 ઉમિયા કૃપા નામના મકાનમાં ભાડેથી રહેતા મુળ અમદાવાદના વતની અને હાલ રાજકોટની કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતાં ચૌલાબેન ત્રિભોવનદાસ પટેલ (ઉ.53) પોતાના ઘરે હતાં ત્યારે મોડી રાત્રે તેમના ઘરમાં ઘુસેલા પાડોશી કાનજી ભીમજી વાંજા (ઉ.34) નામના શખ્સ સાથે કોઈ કારણભર બોલાચાલી થયા બાદ કાનજીએ ચૌલાબેન ઉપર છરીથી હુમલો કરી દીધો હતો. આ બનાવમાં ચૌલાબેને સ્વ બચાવમાં કાનજી ઉપર વળતો પ્રહાર પણ કર્યો હોય કાનજી ઘાયલ થયો હતો.

હુમલામાં ઘવાયેલા ચૌલાબેન પટેલના ઘરે દેકારો થતાં પાડોશમાં રહેતા પિયુષભાઈ સહિતના પાડોશીઓ દોડી આવ્યા હતાં અને ઈજાગ્રસ્ત હાલતમાં ચૌલાબેનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. ચૌલાબેનના શરીર ઉપર છરીના ત્રણ ઘા ઝીંકવામાં આવ્યા હોય સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત થયું હતું. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતાં ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઈ તથા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ પટેલ સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો. તેમજ ઘટના સ્થળે પણ પોલીસે વિઝીટ કરી હતી. પાડોશીઓની પુછપરછ દરમિયાન જાણવા મળ્યું કે ચૌલાબેન મુળ અમદાવાદના હોય અને તેમની ફેબ્રુઆરીમાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલથી રાજકોટ કેન્સર હોસ્પિટલ ખાતે બદલી થઈ હોય તેઓ સુરેશભાઈ ગોંધાણીના મકાનમાં ત્રણ મહિનાથી ભાડેથી રહેતાં હતાં.

હુમલાખોર કાનજી પણ પાડોશમાં રહેતો હોય અને આ શખ્સની હરકતોથી તે અવારનવાર વિવાદમાં આવ્યો હોય આ વિકૃત શખ્સ કાનજીએ ચૌલાબેનના ઘરમાં ઘુસ્યો હોય અને કોઈ કારણસર બન્ને વચ્ચે બોલાચાલી થતાં કાનજીએ છરીના ઘા ઝીંકી દેતાં ચૌલાબેનનું મોત થયું હતું. પોલીસ તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ, ચૌલાબેન એક ભાઈ અને એક બહેનમાં નાના હતાં. આ બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનો અમદાવાદથી રાજકોટ દોડી આવ્યા હતાં અને આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

હુમલો કરી ભાગવા જતાં કાનજીને લોકોએ પકડી પોલીસ હવાલે કર્યો
બનાવ નજરે જોનાર પાડોશીઓએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, મૃતક ચૌલાબેન દરરોજ નોકરી પુરી કરીને આવ્યા બાદ રાત્રિનાં વોકીંગમાં જતાં હતાં. ગઈકાલે રાત્રે ચૌલાબેન ઘરમાં હતાં ત્યારે વંડી ટપીને કાનજી તેમના ઘરમાં ઘુસ્યો હતો અને બન્ને વચ્ચે કોઈ કારણસર માથાકુટ થયા બાદ કાનજીએ ચૌલાબેન ઉપર છરીથી હુમલો કર્યો હતો. તે વખતે દેકારો થતાં નીચેના માળે રહેતા નિલમબેન તથા તેમના પતિ પિયુષભાઈ સહિતના પાડોશીઓ દોડી આવ્યા હતાં ત્યારે ચૌલાબેને દેકારો કરી મને મારી નાખશે દરવાજો ખોલો તેવી બુમો પાડતાં હતાં. પોડાશીઓ જ્યારે ચૌલાબેનના ઘરમાં આવ્યા ત્યારે કાનજીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લોકોએ તેને પકડી પોલીસના હવાલે કર્યો હતો.

અમદાવાદ સિવિલમાં નર્સિંગ સ્ટાફનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

રાજકોટનાં યુનિવર્સિટી રોડ પર રહેતા નર્સ ચૌલાબેન પટેલની હત્યાના પડઘા અમદાવાદની કેન્સર હોસ્પિટલ ખાતે પડયા હતાં. ચૌલાબેનની ત્રણ માસ પૂર્વે જ બદલી કરવામાં આવી હોય અને રાજકોટમાં તેમની હત્યા થતાં તેને લઈને નર્સિંગ સ્ટાફમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખોટી રીતે ચૌલાબેનની રાજકોટ ખાતે બદલી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે કેન્સર હોસ્પિટલની નર્સિંગ સ્ટાફ દ્વારા આ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ચૌલાબેનની ગેરકાયદેસર રીતે બદલી કરાઈ હોય જેના કારણે તેમનો જીવ ગયો હોવાનું પણ નર્સિંગ સ્ટાફે ઉગ્ર રજૂઆતમાં જણાવ્યું હતું. અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવતાં તમામ નર્સિંગ સ્ટાફે ઉગ્ર દેખાવ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *