રાજ્યમાં બેફામ સ્પીડેવાહન ચલાવી નિર્દોષ લોકોના ભોગ લીધાની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. આમ છતાં પોલીસ તંત્ર દ્વારા આકરાપગલા લેવાતા ન હોવાથી આવી ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. ત્યારે વધુ એક ઘટનામાં માસીના ઘરે વેકેશન કરવા આવેલી ધો. 8ની છાત્રા માસી સાથે બજારમાં જતી હતી. ત્યારે કાર ચાલક છાત્રાને ઠોકરે લઈ 10 ફૂટ ઉલાળતા તેનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું.ઘટના અંગે પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ પડધરીના કુલવાડી વિસ્તારમાં રહેતી અને ધો. 8 માં અભ્યાસ કરતી ઝરણા દિલીપભાઈ જાદવ (ઉ.વ.15) નામની તરૂણી વેકેશન કરવા મોરબીમાં મહેન્દ્રનગરમાં રહેતા તેના માસીના ઘરે ગઈ હતી. દરમિયાન તા. 14ના બપોરે ઝરણા તેના માસી ભગવતીબેન સાથે બજારમાં ગઈ હતી ત્યારે હળવદ રોડ પર મહેન્દ્રનગર ચોકડી પાસે પુરવાટ ઝડપે આવતા કાર ચાલકે તરૂણીને ઠોકરે ચડાવતા તરૂણી 10 ફૂટ ઉલળી રસ્તા ઉપર પટકાતા તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી.
જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક એક ભાઈની એકની એક મોટી બહેન હતી. પુત્રીના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. આ અંગે મોરબી પોલીસે જરૂરી કાર્યવાહી કરી અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
