પગે અને દાઢીએ ગંભીર ઇજા : અજાણ્યા બાઇકના ચાલક વિરૂધ્ધ ફરિયાદ
રાજકોટ શહેરના મહિકા રોડ પાસે માધવ પાર્ટી પ્લોટમા લગ્ન પ્રસંગે આવેલા પરીવારનો 9 વર્ષનો પુત્ર બાળકો સાથે પાર્ટી પ્લોટની બહાર રમી રહયો હતો ત્યારે પુરઝડપે આવી રહેલા બાઇકના ચાલકે બાળકને ઠોકરે લેતા તેમને હાથે, પગે, દાઢીએ અને માથામા ગંભીર ઇજા પહોંચી હતી તેમને સારવાર માટે તુરંત ખાનગી હોસ્પીટલમા ખસેડવામા આવ્યો હતો. હાલ આ બાળક બેભાન હોવાનુ જાણવા મળી રહયુ છે.
આ અંગે આજીડેમ પોલીસે ગુનો નોંધી તજવીજ શરૂ કરી છે.
બાળકના પિતા રમેશભાઇ મેટાલીયાએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ જસદણના ભાડલામા રહે છે અને તેઓ ખેતીકામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે.
ગઇ તા 6 ફેબ્રુઆરીએ સવારના સમયે રાજકોટ રહેતા તેમના ભાણેજ ચિંતનના લગ્ન મહિકા રોડ પાસે માધવ પાર્ટી પ્લોટે હતા ત્યારે ત્યા તેમનો પરીવાર આવ્યો હતો. ત્યારે રમેશભાઇ પોતાના કામ સબબ સાંજના સમયે ઘરે નિકળી ગયા હતા અને બીજા દિવસે સવારે 9 વાગ્યે તેમના પિતા સાદુળભાઇનો કોલ આવ્યો હતો અને કહયુ કે તેમના પુત્ર રીતેશ (ઉ.વ. 9) પાર્ટી પ્લોટની બહાર બાળકો સાથે રમી રહયો હતો.
ત્યારે અજાણ્યા બાઇકના ચાલકે તેને ઠોકરે લેતા બાળકને પગે અને માથા પર ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને તેમને બેભાન હાલતમા ખાનગી હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો. આ મામલે તબીબે જણાવ્યુ હતુ કે બાળકને પગે પણ ફ્રેકચર જેવી ગંભીર ઇજા છે. આ અંગે બાળકના પિતા રમેશભાઇ તુરંત રાજકોટ આવી પહોંચ્યા હતા અને પોલીસમા બાઇક ચાલક વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી.
જયારે બીજી ઘટનામા કિશાનપરા ચોક પાસે મ્યુનિસિપલ સ્ટાફ સોસાયટી શેરી નં ર મા રહેતા નિવૃત કર્મચારી ભરતભાઇ મણીલાલભાઇ મહેતા (ઉ.વ. 71) જીલ્લા પંચાયત ચોક પાસેથી પોતાનુ બાઇક ચલાવી જતા હતા.ત્યારે તેમને અન્ય બાઇકના ચાલકે ઠોકરે લેતા તેઓને હાથ અને પગમા ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી આ મામલે પોલીસે ગુનો નોંધ્યો હતો.