રાજકોટના વિકસિત એવો કોઠારિયા વિસ્તાર મહાનગરપાલિકામાં ભળ્યા બાદ વિકાસ જેટગતિએ થઇ રહ્યો છે. ગત જનરલ બોર્ડમાં જ આ વિસ્તારમાં સિમેન્ટ રોડ બનાવવા ઉપરાંત રણુજા મંદિર સામે હયાત બ્રિજ તોડીને તેની જગ્યાએ નવેસરથી બ્રિજ બનાવવા કરોડો રૂૂપિયાનું ભંડોળ મંજૂર કરાયુ છે. એ પૈકી રૂૂ.17 કરોડના ખર્ચના એસ્ટિમેટ સાથે બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડર પ્રસિધ્ધ કરવામા આવ્યુ છે.
રાજકોટમાં આવનાર દિવસોમાં નવા ત્રણ બ્રિજ બનવા જઇ રહ્યા છે. પી.ડી.માલવીયા કોલેજ સામેના ફાટક હેઠળ ‘ઝેડ’ આકારના અંડરબ્રીજનો પ્લાન બની રહ્યો છે અને નજીકના ભવિષ્યમાં ઢેબર રોડના છેડે રાજકમલ પેટ્રોલ પંપ નજીકના ફાટકે પણ ‘એચ’ આકારનો અંડરબ્રીજ બનાવવા તંત્રએ વિચારણા શરૂૂૂ કરી છે. બીજીતરફ વોર્ડ નં.18ના કોઠારીયા મેઇન રોડ ઉપર રણુજા મંદિર નજીક ઓવરબ્રીજ બનાવવાનું ટેન્ડર મહાપાલિકાએ પ્રસિધ્ધ કર્યું છે. જો કે અગાઉ પણ ટેન્ડર જાહેર કરાયા બાદ બીજો પ્રયત્ન કરવો પડયો છે. જેના માટે 17 કરોડ જેટલા ખર્ચનો અંદાજ રહેલો છે. 8 મીટરનો હોય હવે અહીં 22 મીટરનો બ્રીજ બનાવવામાં આવનાર છે.
કોઠારીયા વિસ્તાર છેલ્લા વર્ષોમાં ખુબ વિકસ્યો છે. રહેણાંકથી માંડી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ચાલુ છે. વોર્ડ નં. 18માં કોઠારીયા મેઈન રોડ પર રણુંજા મંદિર પાસે નાનો પુલ છે. કોઠારીયા મેઈન રોડના અમુક ભાગમા ટી.પી., ડી.પી રોડ મુજબ 24.00 મીટર થી લઈને 45.00 મીટર સુધીની પહોળાઈ થઇ રહી છે. જેથી રણુજા મંદિર પાસે જુના બ્રીજને કારણે બોટલનેક જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જેને લઈ, બજેટમાં આ સમસ્યાના નિરાકરણ અર્થે બ્રીજ અંગેની જોગવાઈ કરવામાં આવી હતી. આ બ્રીજ ત્રણ ગણો પહોળો એટલે કે લગભગ નવો બનાવવાનો અભિપ્રાય આવ્યો હતો.
મનપા વેસ્ટ ઝોનનાં ઈજનેર ઋષિભાઈએ જણાવ્યું હતું કે, પ્રથમ હયાત બ્રીજની બાજુમાં ડાયવર્ઝન બનાવવામાં આવશે. આ પછી જૂનો બ્રીજ તોડીને તેના સ્થાને વધુ મોટો અને પહોળો નવો બ્રીજ બનશે. આ બ્રીજમાં 8 બાય 4 મીટરના 3 બોક્સ 22 મીટર પહોળાઈનાં બનાવવામાં આવશે. જ્યાં તિરુપતિ હેડવર્ક તરફનો રસ્તો 77.40 મીટર હશે અને રણુજા મંદિર તરફનો રસ્તો 101.24 મીટરનો હશે. હાલ બ્રીજનાં કામે એજન્સીનું અંદાજીત ખર્ચ રૂૂૂ. 16.54 કરોડ અને પીએમસીની ફી મળી રૂૂૂ. 17.05 કરોડ જેટલો ખર્ચ થવાની શક્યતા છે. આ બ્રીજનાં એપ્રોચને ધ્યાનમાં લેતા ઊંચાઈ વધારી શકાય તેમ ન હોય, ‘બ્રીજ ઓવર વોટર બોડી’ની હાઈટ યથાવત રાખવા ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.
દરરોજ 4000 વાહનચાલકોને ટ્રાફિકમાં રાહત મળશે
હાલ આ બ્રીજ પરથી દરરોજ 4,000 કરતા પણ વધુ વાહનો પસાર થાય છે. રાજકોટની હુડકો ચોકડી તરફ તેમજ ગોંડલ તરફ આવતા જતા તમામ વાહન ચાલકો ઉપરાંત રણુજા મંદિર તરફ અને તિરૂૂૂપતિ હેડવર્ક્સ તરફ આવતા જતા વાહન ચાલકો માટે આ બ્રીજ અતિશય ઉપયોગી છે. આ બ્રીજ પરથી મોટી સંખ્યામાં ભારે વાહનો પણ પસાર થાય છે. અને બ્રીજ નીચે ત્રણ તરફથી પાણી આવે તેમ હોવાથી આ પાણીનાં કારણે બ્રીજને કોઈપણ નુકસાન થાય નહીં તે રીતે ખાસ આયોજન પૂર્વકની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ કારણે રાજકોટમાં અત્યાર સુધીમાં બનેલા તમામ બ્રીજ કરતા આ બ્રીજ અલગ જ મહત્વ ધરાવે છે.
આ હયાત બ્રીજની ઉત્તર તરફ ટી.પી.સ્કીમ છે તથા બ્રીજની દક્ષિણ તરફ ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ મંજુર નથી. આ રસ્તો 24.00 મીટર રોડનો છે. હાલ બ્રીજની પશ્ચિમ દિશામાં બે બાજુથી વરસાદી પાણીની આવક છે તથા બ્રીજની પૂર્વ દિશા ડાઉન સ્ટ્રીમ હોય, પાણી સાથે મળીને પૂર્વ દિશા તરફમાં આગળ વધે છે. અહીં વોટર બોડી હોય તથા નજીકમાં કોઈ સુ-વ્યવસ્થિત ડાયવર્ઝન આપી શકાય તેમ નથી આથી ટ્રાફિક મુવમેન્ટને યથાવત રાખવા હયાત બ્રીજની પશ્ચિમ દિશામાં ડાયવર્ઝન નિર્માણ તથા ક્રમશ પૂર્વ તરફના જુના ભાગને દુર કરી નવા બ્રીજના નિર્માણનું કામ કરી વાહન વ્યવહાર ચાલુ રાખવામા આવશે.
