યુધ્ધને કારણે બેરોજગાર થયેલા નાગલપરના શ્રમિકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટ જિલ્લાના નાગલપર ગામે રહેતા અને ઈમિટેશનના વ્યવસાય સાથે સંકળાયેલા 50 વર્ષીય મનસુખભાઈ જસમતભાઈ સીપરીયાએ ગઈકાલે રાત્રે આશરે 9:00 વાગ્યાના અરસામાં પોતાના ઘરે ઝેરી દવા…

રાજકોટ જિલ્લાના નાગલપર ગામે રહેતા અને ઈમિટેશનના વ્યવસાય સાથે સંકળાયેલા 50 વર્ષીય મનસુખભાઈ જસમતભાઈ સીપરીયાએ ગઈકાલે રાત્રે આશરે 9:00 વાગ્યાના અરસામાં પોતાના ઘરે ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ, મનસુખભાઈ લાંબા સમયથી આર્થિક સંકડામણ અને બેરોજગારીનો સામનો કરી રહ્યા હતા, જેના કારણે ઊંડા ગમમાં ગરકાવ થઈને તેમણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પાંચ દીકરીઓ અને એક દીકરાના પિતા એવા મનસુખભાઈના આ પગલાથી શ્રમિક પરિવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

છેલ્લા કેટલાક સમયથી અમેરિકા, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની માઠી અસર સ્થાનિક ઉદ્યોગો પર વર્તાઈ રહી છે. ખાસ કરીને રાજકોટના ઈમિટેશન અને જ્વેલરી ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. મનસુખભાઈ છેલ્લા 15 દિવસથી કામ-ધંધો બંધ થઈ જવાથી સાવ બેરોજગાર બની ગયા હતા. ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું અને સંતાનોની જવાબદારી કેવી રીતે પૂરી કરવી તેવા સતત વિચારોને કારણે તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. આ આર્થિક તણાવને દૂર કરવાના ખોટા માર્ગે વળીને તેઓ દારૂૂ પીવાની કુટેવના શિકાર પણ બન્યા હતા, જેણે તેમની સ્થિતિ વધુ નાજુક બનાવી દીધી હતી.

રાજકોટમાં હાલ સોના-ચાંદી અને ઈમિટેશનના વ્યવસાય સાથે જોડાયેલા હજારો વેપારીઓ અને શ્રમિકો યુદ્ધની પરિસ્થિતિને કારણે બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના પુરવઠામાં સર્જાયેલા અવરોધને લીધે અનેક ફેક્ટરીઓના ઉત્પાદન ઠપ થઈ ગયા છે, પરિણામે રોજીરોટી ગુમાવી ચૂકેલા શ્રમિકો હવે મોટા પાયે વતન તરફ હિજરત કરી રહ્યા છે.હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *