નજીવા પડેલા વરસાદે કરોડોના ભ્રષ્ટાચારની પોલ ખોલી: વિજિલન્સની તપાસ કરવા માંગ
આર.ટી.આઇ એક્ટિવિસ્ટ, ખેરવા ગામના સિનિયર સામાજિક આગેવાન ગજેન્દ્રસિંહ ઝાલા ની યાદી જણાવે છે કે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ખેરવા ગામે ગઈકાલે નજીવા વરસાદે નદીમાં પાણીનો પ્રવાહ આવતા ગત વર્ષે મરામત કરાવેલ આ બ્રિજનું ધોવાણ થયું છે. કણકોટ સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં નદી પરના બ્રિજ નદીથી ઊંચા બનાવવામાં આવેલ છે. તો આ ત્રણ ગામના ગ્રામજનોને જોડતો બ્રિજ શા માટે ઊંચો બનાવવામાં ન આવ્યો તે પણ એક પ્રશ્ન છે પરંતુ ખેરવા, ઘીયાવડ અને વણઝારા સહિત ત્રણ ગામને જોડતો આ બ્રિજ નદી પર જ ઊંચો બનાવવાને બદલે નદી પર જ બનાવી બ્રિજ ની ઊંચાઈ વધારવામાં આવી નથી.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર અગાઉ આ બ્રિજ જ્યારે બનેલ હતો તત્કાલીન સમયે કામમાં ભ્રષ્ટાચાર અને કામ નબળું થતું હોવાની વ્યાપક ફરિયાદો ગ્રામજનો દ્વારા મૌખિક ફરિયાદો અધિકારીઓ સમક્ષ કરવામાં આવી હતી તત્કાલીન સમયે બ્રિજમાં ભ્રષ્ટાચાર થતાં આ કોન્ટ્રાક્ટરનું બિલ સ્ટોપ પેમેન્ટ કરાવેલ હતું એવું પણ જાણવા મળે છે અને બિલ સ્ટોપ પેમેન્ટ થતાં ગત વર્ષે ફરીથી બ્રિજ પર પડ લગાવવામાં આવ્યું હતું અને તે ગત વર્ષનું પડ પાણીના નજીવા પ્રવાહમાં ધોવાણ થયું છે.
અને પુલ પર ભયંકર ગાબડા પડી ગયા છે. ભ્રષ્ટાચારમાં પણ ભ્રષ્ટાચાર આશંકા સેવાઇ રહી છે. હાલ જે વરસાદ વરસી રહ્યો છે તે સામાન્ય વરસાદ છે. પરંતુ જો બારે મેઘ ખાંગા થાય અને જો ધોધમાર વરસાદ આવે તો આ નદી પર ધસમસતો તો પાણીનો પ્રવાહ આવે છે તો બેઠા પુલમાં મોટા ભૂંગળાઓ નાખી બનાવવામાં આવેલ છે તે પાણીના પ્રવાહમાં સંપૂર્ણપણે ધોવાઇ જવાની ભીતિ હાલ તો સેવાઇ રહી છે.
શાસકો દ્વારા ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળી હતી. પરંતુ રાજ્યભરમાં બ્રિજ અને રસ્તાઓમાં ભયંકર ભંગાણ થતું રહ્યું છે. અને ભ્રષ્ટાચાર ના પોપડા ઉખડી ગયા છે ખેરવા ગામે એક વર્ષમાં જ નજીવા વરસાદમાં જો પુલનું ધોવાણ થઈ જાય અને ત્રણ-ત્રણ ગામના ગ્રામજનોને જોડતો આ પુલ પરથી અવરજવર બંધ થઈ જાય તો આ અંગે જવાબદાર કોણ ? ખેરવા ગામના મંત્રી પાસે ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા હાલ વિગતો માંગવામાં આવી છે. આ કામ મોરબી જિલ્લા પંચાયત હસ્તક કરવામાં આવ્યું છે પુલમાં ભ્રષ્ટાચાર થયો હશે તો કોઈપણ ચમરબંધીને છોડાશે નહીં અને ભ્રષ્ટાચારીઓની સામે વિજિલન્સ તપાસની માંગ કરી ઉચ્ચસ્તરીય રજૂઆતો કરવામાં આવશે.
હાલ જે પુલ નું ધોવાણ થયું છે તેની તટસ્થ તપાસ થવી જોઈએ અને જવાબદાર કોન્ટ્રાક્ટર પાસેથી પુલનું સમારકામ વ્યવસ્થિત રીતે પુન: કરાવવું જોઈએ એટલું જ નહીં હવે પછી જ્યારે પણ આ પુલ બનાવવામાં આવે ત્યારે કણકોટ સહિતના આજુબાજુના ગામમાં જે રીતે બ્રીજો બનાવ્યા છે તે પ્રકારનો નદી પરથી ઉંચો બ્રિજ થવો જોઈએ કારણ કે આ પુલ એ ત્રણ ગામના ગ્રામજનોને મહત્વનો બ્રિજ છે. હાલ ચોમાસુ ચાલી રહ્યું છે પરંતુ ચોમાસા પૂર્ણ થયે આ બ્રિજને ઊંચો લઈ નવનિયુક્ત બનાવવામાં નહીં આવે તો ખેરવા, ઘીયાવડ અને વણઝારા ગ્રામજનોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
