સુરતના મગદલ્લા દરિયાકિનારે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. એક નાની બોટ અચાનક મધદરિયે પલટી ગઈ હતી. આ ઘટનાનો વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. વિદેશથી આવેલા મોટા વેસેલ જહાજમાંથી કોલસો ભરીને જેટી તરફ આવી રહેલી એક નાની બોટ અચાનક મધદરિયે પલટી ગઈ હતી.
બોટમાં કોલસાનો ભાર વધારે હોવાથી અથવા દરિયામાં કરંટને કારણે સંતુલન બગડતા બોટ એકાએક પલટી ગઈ હતી. આ બોટમાં સવાર 5 જેટલા શ્રમિકો દરિયાના પાણીમાં ફેંકાયા હતા અને જીવ બચાવવા વલખાં મારવા લાગ્યા હતા.
આ ઘટના સમયે સદનસીબે અન્ય કોલસા ભરેલી બોટો પણ નજીકમાંથી પસાર થઈ રહી હતી. બોટ પલટી જવાની ઘટના નજરે જોતા જ અન્ય બોટના ચાલકોએ સમયસૂચકતા વાપરી હતી. ડૂબી રહેલા પાંચેય વ્યક્તિઓને તાત્કાલિક અન્ય બોટમાં ખેંચી લેવામાં આવ્યા હતા. લોકોના જીવ બચી જતાં ઘટનાસ્થળે હાજર શ્રમિકો અને અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો
