સોશિયલ મીડિયા અને મોબાઇલના વળગણની આડઅસર સમાન આંખ ઉઘાડતો કિસ્સો
સોશિયલ મીડિયામાં મળેલા ફ્રેન્ડ સાથે સંબંધ બાંધ્યા બાદ ગર્ભવતી થતાં 16 વર્ષની સગીરાએ જાતે ગર્ભપાત કરી નવજાત શીશુને ખાડી પાસે ફેંકી દીધું
પોલીસ પગેરું શોધતી ઘરે પહોંચી, સગીરાની હકિકત જાણી પગ તળેથી જમીન સરકી ગઇ: સુરતના પાંડેસરા વિસ્તારની અત્યંત ચોંકાવનારી ઘટના
આધુનિક જીવનશૈલી અને મોબાઇલના વળગણની આડ અસર સમાન લાલબતી ધરતો એક ચોંકાવનારો કિસ્સો સુરતમાં બહાર આવ્યો છે. જેમા ધો.10માં અભ્યાસ કરતી 16 વર્ષની એક સગીરાએ તેની જ ઉમરના બોયફ્રેન્ડ સાથે શરીર સબંધ બાંધ્યા બાદ ગર્ભ રહી જતા ઘરમાં જ યુટયુબ પરથી જોઇ જાતે ગર્ભપાત કરી નવજાત બાળકીને ફેંકી દીધી હતી. જો કે, આવાવરૂ સ્થળેથી મળી આવેલી નવજાત બાળકીની પોલીસ તપાસ દરમિયાન આ ચોંકાવનારી ઘટનાનો ભાંડો ફૂટયો હતો અને સગીરા હવે કાનુની જાળમાં સપડાઇ છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ગત તા.9 જાન્યુઆરીના રોજ મળેલી નવજાત બાળકીના વાલીની તપાસ પોલીસે શરૂૂ કરતા આ આખો કિસ્સો સામે આવ્યો. પોલીસ તપાસ માટે ઘરે આવી ત્યારે કિશોરીનો ભાંડો ફૂટ્યો.
મોબાઈલનું વળગણ માનવજાતને ગળી રહ્યું છે. મોબાઈલને કારણે માસુમોની જિંદગી છીનવાઈ રહી છે. સુરતનો આ કિસ્સો તમને હચમચાવી દેશે. એક 16 વર્ષની સગીરા આવું કરી શકે તે માનવામાં ન આવે તેવી ઘટના છે. આ ઘટના પર નજર કરીએ તો, સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ અપેક્ષા નગરમાં વહેલી સવારે બાળકો રમી રહ્યા હતા. ત્યારે બાળકોને ખાડી પાસે જ આવેલ કચરાના ઢગલામાં એક બાળકી દેખાઈ હતી. બાળકને તાત્કાલિક નજીકમાં રહેતા લોકોને જાણ કરતા સ્થળ પર લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતી. બાળકીને તપાસ કરતાં તેનો શ્વાસ ચાલી રહ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક 108 ને જાણ કરી બોલાવી હતી. 108 ના કર્મચારીઓ બાળકીને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા.જ્યાં બાળકીને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા તબીબોએ મૃતક જાહેર કરી હતી.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, બાળકોએ અમને લોકોને જાણ કરતાં અમે તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને બાળકીને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. જ્યાં બાળકીનું મોત થયું હતું. કોઈ મહિલા દ્વારા પોતાના પાપ છુપાવવા બાળકીને ફેંકવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. આ નવજાતનું પગેરું શોધતા સુરત પોલીસ જે ઘરમાં પહોંચી ત્યા હકિકત જાણીને પોલીસના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તપાસમાં ખુલાસો થયો કે, ધો. 10ની વિદ્યાર્થિનીએ યુ-ટ્યુબ જોઈને જાતે જ ગર્ભપાત કર્યો હતો. 16 વર્ષની કિશોરીને 16 વર્ષના સોશિયલ મીડિયા ફ્રેન્ડે ગર્ભવતી બનાવી હતી. જાતે ગર્ભપાત કર્યા બાદ સગીરાએ નવજાને ખાડી પાસે ફેંકી દીધું હતું.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, મિત્ર સાથે સંબંધ બનાવ્યા બાદ સગીરા ગર્ભવતી થઈ હતી. જે બાદ કિશોરીએ યુટ્યુબ પર જોઈને ગર્ભપાતની દવા લીધી હતી. આઠમી જાન્યુયારીના રોજ મોડી રાત્રે તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. કિશોરી બાથરૂૂમમાં ગઈ ત્યાં જ તેને કસૂવાવડ થઈ હતી. જે બાદ તે નવજાતને ફેંકી આવી હતી. આ કિસ્સો સામે આવતા ફરી એકવાર મોબાઈલના વ્યસન અને યુવાધનના વ્યવહાર પર સવાલો ઉઠી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયોઝ જોઈને યુવાનો ક્યા માર્ગે જઈ રહ્યા છે તે ખરેખર મોટો પ્રશ્ન છે.