ગુજરાતમાં માત્ર 9.03 લાખ MSME નોંધાયા, પ.બંગાળ દેશમાં મોખરે
ગુજરાતમાં મહિલાઓના સશક્તિકરણ પાછળ અનેક યોજનાઓ અને પ્રોત્સાહન છતાં સૂક્ષ્મ-લઘુ અને મધ્યમ (એસએસએમઇ)ની મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા થતી સ્થાપનામાં ગુજરાત હજુ ઘણું પાછળ છે.
છેલ્લા સાડા ચાર વર્ષમાં મહિલાઓ માલિકી ધરાવતી હોય તેવા ગુજરાતમાં 9.03 લાખ જેટલા એમએસએમઇ જ નોંધાયા છે જેની સામે કેટલાક રાજ્યમાં આ આંકડો મોટો છે.
મહિલાઓની માલિકીના પશ્વિમ બંગાળમાં સૌથી વધુ 2.18 કરોડ, બિહારમાં 15.20 લાખ તો આંધ્રપ્રદેશમાં 13.25 લાખ જેટલા એમએસએમઇ નોંધાયેલા છે. અગાઉ કુલ નવા એમએસએમઇની સ્થાપનામાં પણ ગુજરાત પાછળ હોવાનું બહાર આવ્યું હતું.
ગુજરાત દેશનું અવ્વલ ઔદ્યોગિક રાજ્ય ગણાય છે અને વાઇબ્રન્ટ સમિટ સહિત અનેક કાર્યક્રમો ઉદ્યોગો કરોડોનો ખર્ચ કરીને નવા ઉદ્યોગો રાજ્યમાં સ્થપાય તે માટે કરાય છે.
જો કે મહિલાઓ ગુજરાતમાં જ નવા નાના કે મધ્યમ કક્ષાના ઉદ્યોગો શરૂૂ કરે તે માટે અપૂરતું પ્રોત્સાહન અપાતું હોય તેવી સ્થિતિ આંકડા કહી રહ્યા છે.
ભારત સરકાર દ્વારા મહિલા નવઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે યશસ્વીની કેમ્પેઇન 2024માં શરૂૂ કરાયું છે. જેના કારણે મહિલાઓને વિવિધ યોજના થકી નવા ઉદ્યોગો શરૂૂ કરવામાં મદદ મળી રહે પરંતુ ગુજરાતમાં તેનો કેટલો પ્રચાર-પ્રસાર કરાયો તે સવાલ છે.
મહિલાઓની માલિકીના એમએસએમઇની સ્થાપના અંગે રાજ્યસભામાં 2 ડિસેમ્બરે એક સવાલના જવાબમાં એમએસએમઇ મંત્રાલય દ્વારા અપાયેલા જવાબમાં ઉદ્યમ રજિસ્ટ્રેશન પોર્ટલમાં નોંધાયેલા ઉદ્યોગોની માહિતી અપાઇ છે.