ધોરાજીથી સુરત જતી જાનની બસને નડ્યો અકસ્માત!!! 2ના મોત, અનેક ઈજાગ્રસ્ત

  ધોરાજીથી સુરત જતી બસને ભરૂચના દેરોલ નજીક આવેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. ધોરાજીથી સુરત જાન લઈને જતી લક્ઝરી બસ અને…

 

ધોરાજીથી સુરત જતી બસને ભરૂચના દેરોલ નજીક આવેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. ધોરાજીથી સુરત જાન લઈને જતી લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં ૨ લોકોના મોત થયાં છે. અને બાળકો સહિત ૩૦થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે લગભગ ૫:૩૦ વાગ્યે બની હતી. બસમાં પરિવારના સભ્યો અને તેમના સંબંધીઓ હતા, જેઓ લગ્ન સમારોહમાં જઈ રહ્યા હતા. જ્યારે બસ દેરોલ પાસે પહોંચી, ત્યારે તે આગળ જઈ રહેલા ટેન્કર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો હતો. જેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ ઘટના જોઈને સ્થાનિક રહીશો તરત જ ત્યાં દોડી આવ્યા હતા. પોલીસ અને ‘૧૦૮’ એમ્બ્યુલન્સની ટીમો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને બસમાંથી બહાર કાઢીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગમખ્વાર દુર્ઘટનામાં લક્ઝરી બસના ચાલક નવીન દાનાભાઈ ભારાઈ અને ક્લીનર રમેશ ગોવિંદ સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના કરુણ મોત નિપજ્યા છે.જ્યારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

અકસ્માતને પગલે એક્સપ્રેસવે પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ટ્રાફિક ફરી શરૂ કરવા માટે ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત બસ અને ટેન્કરને રસ્તા પરથી હટાવી દેવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. બસ ટેન્કર સાથે કયા ચોક્કસ સંજોગોમાં અથડાઈ તે હજુ સ્પષ્ટ થયું નથી. જે ​​પરિવારો લગ્ન પ્રસંગની ઉજવણી કરવા નીકળ્યા હતા, તેમની યાત્રા એક ભયાનક કરુણાંતિકામાં પરિણમી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *