ઓડિશા-આંધ્રમાં વાવાઝોડું ‘અકવાન’નો કહેર!! દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ, 3 લાખ લોકોનું સ્થળાંતર

  બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ‘અકવાન’ આજે સવારે આશરે 8:30 વાગ્યે આંધ્રપ્રદેશ અને ઓડિશા વચ્ચે ગોપાલપુરના દરિયાકાંઠે ત્રાટક્યું છે. વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા હજુ ચાલુ…

 

બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ‘અકવાન’ આજે સવારે આશરે 8:30 વાગ્યે આંધ્રપ્રદેશ અને ઓડિશા વચ્ચે ગોપાલપુરના દરિયાકાંઠે ત્રાટક્યું છે. વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા હજુ ચાલુ છે અને આગામી બે કલાક સુધી ચાલવાની શક્યતા છે. આ દરમિયાન 70થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. બપોર સુધીમાં તે નરસાપુર અને પુરી વચ્ચે, ખાસ કરીને ઉત્તર આંધ્ર પ્રદેશ, યનમ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ભારે તબાહી મચાવે તેવી શક્યતા છે.

ચક્રવાતની અસર ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહી છે. ત્રણેય રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત છેલ્લા છ કલાકમાં 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે. આગામી સમયમાં તેની અસર દેશના 10 રાજ્યોમાં જોવા મળી શકે છે.

વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઓડિશામાં મોટા પાયે સ્થળાંતર કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં અંદાજે 3 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. અસરગ્રસ્ત લોકો માટે 2,523 રાહત શિબિરો તૈયાર કરવામાં આવી છે, જ્યારે બચાવ અને રાહત કામગીરી માટે 423 ટીમો તૈનાત કરવામાં આવી છે.

ચક્રવાત દરમિયાન ભૂસ્ખલનનો ખતરો પણ તંત્ર માટે મોટો પડકાર બની રહ્યો છે. ગંજામ, ગજપતિ, કંધમાલ, કોરાપુટ અને મલકાનગિરી સહિતના પાંચ જિલ્લાઓમાં ભૂસ્ખલનની આશંકા ધરાવતા 941 સંવેદનશીલ સ્થળોની ઓળખ કરવામાં આવી છે. જેમાં ગજપતિ જિલ્લામાં સૌથી વધુ 211 સ્થળોનો સમાવેશ થાય છે. અગાઉના વાવાઝોડા દરમિયાન ભૂસ્ખલનથી જાનહાનિ થઈ હતી, જેને ધ્યાનમાં રાખીને આ વખતે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

વાવાઝોડા સામે લડવા માટે NDRF, ODRAF, ફાયર બ્રિગેડ અને અન્ય ઈમરજન્સી ટીમો તૈનાત કરવામાં આવી છે. ઓડિશામાં ODRAFની 60 ટીમો, NDRFની 14 ટીમો અને ઈમરજન્સી સેવાની 131 ટીમો સહિત મોટા પ્રમાણમાં બચાવ દળો તૈયાર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.

હવામાન વિભાગે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ અને વિજયનગરમ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પાર્વતીપુરમ મન્યમ, અલ્લૂરી સીતારામ રાજૂ અને અનકાપલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તથા કાકીનાડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. ઓડિશા સહિત પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ અને પૂર્વોત્તરના અનેક રાજ્યોમાં પણ ભારે વરસાદ અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે.

ચક્રવાતની અસર રેલવે વ્યવહાર પર પણ પડી છે. પૂર્વી રેલવે દ્વારા 41 ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે દક્ષિણ પૂર્વ રેલવે દ્વારા 28 એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત 29 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ચક્રવાતને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને તેજ પવનની સ્થિતિ સર્જાઈ છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળોએ આશરો લેવા અપીલ કરવામાં આવી છે. બચાવ દળો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *