ધોરાજીમાં મચ્છીના વેપારીની હત્યાનો પ્રયાસ

ધોરાજીમાં જૂની અદાવતનો ખાર રાખીને એક માછીમાર વેપારી પર બે સગા ભાઈઓએ લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. વહેલી સવારે ગેલેક્સી…

ધોરાજીમાં જૂની અદાવતનો ખાર રાખીને એક માછીમાર વેપારી પર બે સગા ભાઈઓએ લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. વહેલી સવારે ગેલેક્સી ચોક વિસ્તારમાં બનેલા આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા વેપારીને સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ધોરાજી સીટી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, ધોરાજીના સંઘાડીયા બજારમાં આવેલી ચીસ્તીયા મસ્જીદની શેરીમાં રહેતા અને માછીમારીનો વ્યવસાય કરતા બાબરભાઈ ઉર્ફે સલીમભાઈ હાજીઈસ્માઈલભાઈ ખુરેશી (ઉં.વ. 44) ગઈકાલે તારીખ 18/11/2026 ના રોજ વહેલી સવારે પોણા છ વાગ્યે નમાઝ પઢવા માટે મસ્જીદે ગયા હતા. નમાઝ પૂરી કરી ઘરે કપડાં બદલીને તેઓ સવારે આશરે સાત વાગ્યાના અરસામાં ગેલેક્સી ચોક ખાતે આવેલી ટીટીયા ચાવાળાની દુકાને ચા-નાસ્તો કરવા માટે ગયા હતા.બાબરભાઈ જ્યારે ચા પી રહ્યા હતા ત્યારે ધોરાજીના બહારપુરા વિસ્તારમાં રોનક સ્કૂલની સામે રહેતા બે સગા ભાઈઓઈમરાન ઉર્ફે કારો મજીદભાઈ ધાણીવાલા અને ઈમ્તીયાઝ ઉર્ફે ઈમુ મજીદભાઈ ધાણીવાલા અચાનક ત્યાં ધસી આવ્યા હતા. બંને શખ્સોએ બોલાચાલી કરી ‘આજે તને મારી નાખવો છે’ તેમ કહી લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. ઈમરાન ઉર્ફે કારાએ માથામાં પાઈપ મારવાનો પ્રયાસ કરતાં બાબરભાઈ ખસી જતાં પાઈપ મોઢાના નીચેના ભાગે વાગ્યો હતો, જેનાથી લોહી વહેવા લાગ્યું હતું.

જીવ બચાવવા માટે બાબરભાઈ ત્યાંથી ભાગીને ધોરાજી-જૂનાગઢ રોડ પર તૈલી હોસ્પિટલ પાસે પહોંચ્યા હતા. જોકે, બંને આરોપીઓ મોટરસાયકલ લઈને તેમનો પીછો કરીને ત્યાં પણ પહોંચી ગયા હતા. ત્યાં ઉશ્કેરાયેલા બંને ભાઈઓએ ‘તેં અગાઉ મારા ભાઈને માર્યો હતો, આજે તને પૂરો જ કરી નાખવો છે’ તેમ કહી ફરીથી લોખંડના પાઈપ વડે આડેધડ માર મારવાનું શરૂૂ કર્યું હતું. આ હુમલામાં બાબરભાઈને માથાના ભાગે, જમણા ખભા, બંને હાથ તેમજ ડાબા અને જમણા પગમાં ગંભીર અને મૂંઢ ઈજાઓ પહોંચી હતી.

હુમલા દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા સરફરાજ ઉર્ફે સફુડો શકરીયાણીએ વચ્ચે પડીને બાબરભાઈને વધુ મારમાંથી છોડાવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે ધોરાજી સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. બનાવ પાછળનું કારણ જણાવતા ફરિયાદીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, આશરે ચાર વર્ષ પહેલાં તેમને આરોપી ઈમરાન ઉર્ફે કારા સાથે માથાકૂટ થઈ હતી. તે જૂના ઝઘડાનો ખાર રાખીને બંને ભાઈઓએ એકસંપ થઈ આ જીવલેણ હુમલો કર્યો હતો.ધોરાજી સીટી પોલીસે ફરિયાદી બાબરભાઈ ખુરેશીની ફરિયાદના આધારે આરોપી ઈમરાન ઉર્ફે કારો ધાણીવાલા અને ઈમ્તીયાઝ ઉર્ફે ઈમુ ધાણીવાલા સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ પી.આઈ એમ.એમ.ઠાકોર ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *