કુખ્યાત મહિલા પેડલર સુધા ધામેલિયા, હાંડા ગેંગ સામે ગુજ્સીટોક

રંગીલા રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પડકાર ફેંકનાર અને છેલ્લા એક દાયકાથી આમ જનતામાં ભય તથા દહેશતનું વાતાવરણ ઉભું કરનાર કુખ્યાત મહિલા પેડલર અને ‘હાંડા…

રંગીલા રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પડકાર ફેંકનાર અને છેલ્લા એક દાયકાથી આમ જનતામાં ભય તથા દહેશતનું વાતાવરણ ઉભું કરનાર કુખ્યાત મહિલા પેડલર અને ‘હાંડા ગેંગ’ સામે ક્રાઈમ બ્રાંચે અત્યાર સુધીની સૌથી કડક અને નિર્ણાયક કાર્યવાહી હાથ ધરી છે. સંગઠિત ગુનાખોરીને જડમૂળથી ઉખેડી ફેંકવાના મક્કમ નિર્ધાર સાથે ક્રાઈમ બ્રાંચે આ ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત કુલ 15 સાગરીતો વિરુદ્ધ ‘ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી ગુનેગાર આલમમાં ફફડાટ ફેલાવી દીધો છે.

પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક દ્વારા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે અપાયેલી કડક સૂચનાઓના પગલે ડીસીપી (ક્રાઈમ) જગદીશ બાંગરવા અને એસીપી (ક્રાઈમ) ભરત બી. બસીયાના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચની ટીમે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે.
પોલીસે હાંડા ગેગની કુંડળી કાઢતા તપાસમાં બહાર આવ્યું છે કે રૈયાધાર મફતીયાપરા વિસ્તારમાં રહેતા ભવદીપ ઉર્ફે યશ ઉર્ફે હાંડો પરેશભાઈ ડાભીએ પોતાના સગા ભાઈઓ અને અન્ય સાથી ગુનેગારો સાથે મળીને ‘હાંડા ગેંગ’ નામે એક સંગઠિત અપરાધ સિન્ડિકેટ ઉભી કરી હતી. આ ટોળકીએ વર્ષ 2016 થી 2026 દરમિયાન રાજકોટ શહેર અને આસપાસના જિલ્લાઓમાં પોતાની ધાક જમાવવા તેમજ આર્થિક લાભ ખાટવા માટે ગુનાખોરીને પોતાની આજીવિકાનું સાધન બનાવી લીધું હતું.

છેલ્લા દસ વર્ષમાં આ ગેંગ વિરુદ્ધ કુલ 87 જેટલા ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયા છે, જેમાંથી 50 અત્યંત ગંભીર ગુનાઓને ગુજસીટોક કાયદાની કલમ હેઠળ ધ્યાને લેવામાં આવ્યા છે. પોલીસ ચોપડે નોંધાયેલા આંકડા મુજબ, હાંડા ગેંગના સાગરીતોએ સમાજમાં દૂષણ ફેલાવવા અને પ્રજામાં ભય પેદા કરવા માટે કોઈ કસર છોડી ન હતી. તેમના મુખ્ય 50 ગુનાઓનું વર્ગીકરણ કરવમાં આવતા જણવા મળ્યું કે, આ ટોળકીએ ખૂન અને ખૂનની કોશિશના 4 ગુના , શારીરિક ઈજા, ગંભીર ઈજા અને જાનથી મારી નાખવાની ધમકીના 20 ગુના એન.ડી.પી.એસ. (ડ્રગ્સ) અને આર્મ્સ એક્ટ હેઠળના 10 ગુના , લૂંટ, બળજબરી, અપહરણ અને મિલકતને નુકસાનના 6 ગુના, ગેરકાયદેસર મંડળી રચી તીક્ષ્ણ હથિયાર વડે હુમલાના 6 ગુના , ઘરફોડ, દબાણ અને દારૂૂની હેરાફેરીના 4 ગુના આ ઉપરાંત, વાહનોમાં આગ ચાંપવી, ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરી તોડફોડ કરવી અને એટ્રોસિટી જેવા ગંભીર અપરાધોમાં પણ આ ટોળકીની સંડોવણી ખુલી છે.

ક્રાઈમ બ્રાંચની અલગ-અલગ ટીમોએ ત્વરિત કાર્યવાહી કરીને ગેંગના મુખ્ય સુત્રધાર ભવદીપ ઉર્ફે યશ ઉર્ફે હાંડો પરેશભાઇ ડાભી (રહે. રૈયાધાર મફતીયાપરા, દશામાંના મંદિર પાસે) ઉપરાંત, રોહિત ઉર્ફે પિયુષ પરેશભાઇ ડાભી ( રહે. ધરમનગરના ક્વાર્ટર) , ધર્મેશ ઉર્ફે ધમો પરેશભાઇ ડાભી (રૈયાધાર, દશામાના મંદિરની બાજુમાં), ઋષિક ઉર્ફે રૂૂત્વીક પરેશભાઇ ડાભી ( રહે. ચાર માળીયા ક્વાર્ટર નં. 306, વિંગ-એ, રાણી રૂૂડીમાં ચોકડી પાસે), નામચીન ડ્રગ્સ પેડલર સુધાબેન સુનીલભાઇ ધામેલીયા ( રહે. રૈયાધાર 12 માળીયા આવાસ યોજનાના ક્વાર્ટર, એ વિંગ, ક્વાર્ટર નં. 510),તેનો પુત્ર મયુર સુનીલભાઇ ધામેલીયા , વિશાલભાઇ રાજુભાઇ ગોહિલ ( રહે. મનહરપુર-1) શક્તિ ડાયાભાઈ રાઠોડ (રહે. ઈન્દીરાનગર, શેરી નં. 1) , વિપુલ પ્રવીણભાઇ બગથરીયા ( રહે. ખોડીયાર નગર, શેરી નં. 2), રાજ નિલેશભાઇ કાપડી (રહે. રૈયા ધાર, રાધેશ્યામ ગૌશાળા પાસે), વિનય રાજુભાઇ ઉકેડીયા (રહે. મનહરપુર-1), સચીન પ્રવિણભાઇ વોરા ( રહે. રૈયાધાર મફતીયાપરા), આકાશ જીવણભાઈ ઉર્ફે જીવાભાઈ વારગીયા ( રહે. રૈયાધાર મફતીયાપરા), મીત રમેશભાઇ ખગ્રામ (રહે. શ્રીનાથજી સોસા., શેરી નં. 02, મવડી મેઈન રોડ)સામે ગુનો નોંધી 14ની ધરપકડ કરી છે. એક શખ્સનો જેલ માંથી કબજો લેવા તજવીજ શરુ કરી છે.આ કેસની આગળની તપાસ પશ્ચિમ વિભાગના એસીપી રાધીકા ભારાઈને સોંપવામાં આવી છે. એટલું જ નહિ આ તપાસ દરમિયાન આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિ કરી મેળવેલી ગેરકાયદે મિલ્કતો ટાંચમાં લેવા અને અનધિકૃત બાંધકામ તોડી પાડવા સહીત કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.

ગુજ્સીટોકમાં રાજ્યમાં ગુજરાત પોલીસ અવલ્લ નંબરે, 1 વર્ષમાં 10 ગેંગ સામે કાર્યવાહી
રાજકોટ શહેર પોલીસે સંગઠિત ગુનાખોરી સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. છેલ્લા એક જ વર્ષમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા શહેરની કુલ 10 કુખ્યાત ગેંગના 128 શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી ગુજરાતમાં રાજકોટ પોલીસ ગુજસીટોક હેઠળ કાર્યવાહીમાં અવ્વલ નંબરે છે. 1 વર્ષમાં જેમાં 10 કુખ્યાત ગેંગ સામે ગુજસીટોક પેંડા ગેંગ (17), મુર્ગા ગેંગ (21), બાટલી ગેંગ (14), ઓડીયા ગેંગ (10), ઇભાલા ગેંગ (7), શામજી મંકા ગેંગ (12), અલ્તાફ છ આંગળી ગેંગ (7), રામદેવ ડાંગર ગેંગ (5), ફીરોઝ ઉર્ફે ફીરીયા સિન્ડિકેટ (20) અને હવે હાંડા ગેંગ (15)ના મળીને કુલ 128 રીઢા ગુનેગારો વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલવાની કામગીરી કરવામાં આવી છે. હજુ પણ વધુ બે ગેગ પોલીસ ના રડારમાં છે પોલીસની આ આક્રમક ઝુંબેશથી ગુનેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *